કાલાવડ ગામમાં આવેલા આંબેડકરનગરમાં ધૂળ ઉડતી હોવાથી ધીમે વાળવાનું કહેતા બે મહિલા સહિત ચાર શખ્સોએ યુવાન અને તેના પરિવાર ઉપર લાકડી તથા કપડા ધોવાના ધોકા વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા અમુભાઈ સોલંકી નામના યુવાનના પત્ની અને તેની પુત્રી કામ ઉપર જતાં હતાં તે દરમિયાન મનિષાબેન શેરી વાળતા હતાં. જેને કારણે ધુળ ઉડતી હતી જેથી મહિલાએ મનિષાબેનને ધુળ ઉડતી હોવાથી ધીમે વાળવાનું કહેતાં ઉશ્કેરાયેલા મનિષાબેન, મિતલબેન, સંજય સહિતના ચાર શખ્સોએ એક સંપ કરી મહિલાના પતિ અમુભાઈ સોલંકી ઉપર પાવડાના બે ઘા કરી ઈજા પહોંચાડી હતી તેમજ આરતીબેનના માથામાં ઈજા કરી હતી તથા કપડા ધોવાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણના આધારે હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.