જામજોધપુર તાલુકાના મેલાણથી વસંતપુર જવાના માર્ગ પર કાચા રસ્તે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલા સહિતના ચાર શખ્સોને શેઠવડાળા પોલીસે રૂા.10,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના વર્લીમટકાના આંકડા લખી કપાત કરતી મહિલાની પોલીસે ઝડપી લીધી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાંથી વસંતપુર જવાના કાચા માર્ગ પર નદીના વોંકળામાં બાવળના ઝાડ નીચેના ખુલ્લા પ્લોટમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન વિરેન્દ્ર રાણશી ધારાણી અને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને રૂા.10230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ નાશી ગયેલા વજુ પટેલ સહિતના પાંચ શખસો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર સામે આવેલી બારોટ ફળીમાં રહેતી જશુબેન મહેન્દ્ર ચાંદ્રા નામની મહિલા વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતી હોવાની જાણના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મહિલાને રૂા.151 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલા સાહિત્ય સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા મહિલા લખમણ ચના ચૌહાણ પાસે કપાત કરાવતી હોવાનું ખૂલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.