યાત્રાધામ દ્વારકામાં હાલ હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકામાં આવેલી કાળા કાચ વાડી એક થારને અટકાવી, ચેકિંગ કરતા આ કારમાં લગાવવામાં આવેલા “પોલીસ” લખેલા બોર્ડ જોવા મળ્યા બાદ પૂછપરછમાં આ કારમાં અમદાવાદ તરફથી આવેલા ચાર શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું કબુલતા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગજુભા માણેક તેમજ અન્ય સ્ટાફ ગઈકાલે સોમવારે હોળી-ધુળેટીના બંદોબસ્ત તથા પેટ્રોલિંગમાં હતા. ત્યારે દ્વારકામાં હાથી ગેઈટની સામેના માર્ગ પરથી કાળા કલરની મહિન્દ્રા કંપનીની થાર મોટરકાર આવી હતી. આ કારમાં તમામ કાચ કાળા હોય અને જી.જે. 18 ઈ.એફ.7072 નંબરની આ થાર મોટરકારની આગળના ભાગે અંગ્રેજીમાં પોલીસ લખેલું બોર્ડ જોવા મળ્યું હતું.
જેથી પોલીસ સ્ટાફે કારમાં રહેલા ચાર યુવાનોને બહાર બોલાવતા ત્રણ શખ્સો નીચે ઉતરીને પોતે અમદાવાદ શહેર ખાતે પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ ચારેય શખ્સોનો હુલિયો જોતા તેઓએ કાનમાં બુટી, માથાના મોટા વાળ અને ટેટુ ત્રોફાવેલું જોવા મળતા પોલીસને આ શખ્સો પોલીસ વિભાગમાં ન હોવાની શંકા જણાઈ હતી. આથી ફરજ પરના પોલીસ કર્મીઓએ થારમાં આવેલા શખ્સો પાસે પોલીસના ઓળખકાર્ડ માંગતા આ ચારેય શખ્સો એકબીજાના મોઢા જોવા લાગ્યા અને હતા અને થોથવાઈ ગયા બાદ પોતે પોલીસ ન હોવાનું કબૂલ્યું હતું.
અમદાવાદ તરફથી દ્વારકા આવેલા મહાવીરસિંહ મહિપતસિંહ રાણા (રહે કોલટ, તા. સાણંદ), સાગર વિષ્ણુભાઈ રબારી (રહે. તા. દસકોઈ) આનંદ કનુભાઈ રબારી (રહે. કોલટ, તા. સાણંદ) અને જીગર કાળુભાઈ રબારી (રહે. બોપલ, તા. દસકોઈ, અમદાવાદ) નામના આ ચાર શખ્સોએ પોતે પોલીસ ન હોવાનું કબૂલી અને દ્વારકા આવતા રસ્તામાં કોઈ રોકટોક ન કરે તે હેતુથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું વધુમાં જણાવ્યું હતું.
આથી પોલીસે તમામ ચાર શખ્સો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ અટકાયત કરી, રૂ. 10,00,000ની કિંમતની મોટરકાર કબજે કરી હતી.


