જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ વધુ એક વખત રકતરંજિત બન્યો હતો. જેમાં રિલાયન્સના મુખ્ય ગેઈટ સામેથી મોરબીના પદયાત્રાએ જતાં ત્રણ પદયાત્રીકોને પૂરપાટ આવી રહેલી કારચાલકે હડફેટે લેતા ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતાં. જ્યારે એક પદયાત્રીકને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, ગુરૂવારે સવારના સમયે દેવભુમિ દ્વારકામાં જગતમંદિર દ્વારકાધીશના દર્શન કરવા માટે મોરબીના રવાપર રોડ પર રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા તથા કૌટુંબિક કરશનભાઈ ભગવાનજી ભાડજા અને પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા અને પ્રાણજીવનભાઈ રતીલાલભાઈ ઠોરીયા (ઉ.વ.55) નામના પદયાત્રિકો દ્વારકા તરફ જતા હતાં તે દરમિયાન જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ ગાગવા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે વહેલી સવારના છ વાગ્યાના અરસામાં પૂરપાટ આવી રહેલી બ્રેઝા કાર જીજે-02-ડીએમ-5918 નંબરની કારના ચાલકે રોડની સાઈડમાં જતા ચાર પદયાત્રીકોને હડફેટે લેતા રમેશભાઇ ચતુરભાઈ ભાડજા (ઉ.વ.52), કરશનભાઇ ભગવાનજી ભાડજા (ઉ.વ.65) અને પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા (ઉ.વ.37) નામના ત્રણ પદયાત્રીકોને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં.
જ્યારે અન્ય એક પદયાત્રી પ્રાણજીવનભાઈ રતીલાલભાઈ ઠોરીયાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા મેઘપર પીએસઆઈ બી. બી. કોડીયાતર તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી ઈજાગ્રસ્ત પદયાત્રીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્રણ મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતક રમેશભાઈના પુત્ર કેવિનભાઈના નિવેદનના આધારે નાશી ગયેલા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.