જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રહેતાં યુવાને એક શખ્સ સામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે યુવાનના પિતા ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા વસંતવાટીકામાં રહેતાં રાજેન્દ્રભાઇ બરછા નામના વૃદ્ધના પુત્રએ થોડા સમય અગાઉ મિલન શશીકાંત હંજડા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવવાનો ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે મીલન હંજડા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ વસંત વાટીકામાં આવીને રાજેન્દ્ર હેમરાજભાઈ બરછા નામના વૃદ્ધ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આઈ.આઇ. નોયડા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.