જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં મહિલાની બાબતે ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પ્રભાતનગર શેરી નંબર-1 માં રહેતા અને ડ્રાઈવિંગ કરતો સુલતાન ઈશાક હાલાણી (ઉ.વ.40) નામનો યુવાન ગુલાબનગર રોડ પર રાત્રિના સમયે ઉભો હતો તે દરમિયાન ફૈઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મહોસીન ખેરાણી અને અકરમ ખેરાણી નામના ચાર શખ્સોએ ઘસી આવ્યા હતાં. કાસમે સુલતાનને ‘તે યુસુબ સલમાનને ફોન કરીને મારા ભાઈ ફૈઝલને શું કામ બદનામ કરશ? જેથી સુલતાને કહ્યું કે, તારો ભાઈ ફૈઝલ મારી પત્નીને મેસેજ અને ફોન કરે છે’ તો તું તારા ભાઈને સમજાવી દેજે તેમ કહેતા ચાર શખ્સોએ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી પછાડી દઇ ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.