જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ગઇકાલે યુવાનની તલવાર, છરી અને કોઇતા તેવા હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાની ઘટનામાં એલસીબીની ટીમએ બે હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં ચાલુ ફાઇનાન્સે ખરીદ કરેલી બે રિક્ષાની લોન ન ભરતા મૃતકે બેન્કમાં નાખેલા ચેકો બાઉન્સ થતાં ચાર શખ્સોએ યુવાનને ઘરે બોલાવી હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં એક યુવાનનો હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદહેનો કબ્જો સંભાળી ઓળખ મેળવતાં મૃતક યુવાન અખ્તર રફિક ખીરા (ઉ.વ.35)નો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતદેહને જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે મોકલ્યો હતો. ત્યારબાદ તપાસ હાથ ધરતાં મૃતક યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા કોઇ તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું હતું. પોલીસે મૃતકના ભાઇ સોયબ રફીક ખીરાના નિવેદનના આધારે હુસેન દાઉદ જુણેજા, મુસા (હુસેનના સસરા), આબિદ મુસા (હુસેનનો સાળો) નામના ત્રણ શખ્સો વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
View this post on Instagram
દરમ્યાન પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં હુસેન દાઉદ જુણેજા (ઉ.વ.30, રહે. લાલવાડી), આબીદ મુસા ચાડ (રહે. લાલવાડી) નામના બન્ને હત્યારાઓને નૂરી ચોકડી માર્કેટીંગ યાર્ડ તરફ જતા રસ્તા પરથી દબોચી લીધા હતા.
હત્યાના બનાવમાં અખ્તર રફિક ખીરાએ હુસેન દાઉદ જુણેજા પાસેથી જીજે10-ટીઝેડ-0250 અને જીજે10-ટીઝેડ-6700 નંબરની બે સીએનજી રિક્ષા વર્ષ 2023માં ચાલુ ફાઇનાન્સે બે-બે લાખમાં ખરીદ કરી હતી. આ ફાઇનાન્સની લોન હુસેને ન ભરતા અખ્તરે ચેકો બેન્કમાં નાખતા ચેક બાઉન્સ થવાથી અખ્તરે હુસેન જુણેજા વિરૂઘ્ધ કોર્ટમાં નેગોસીએબલની ફરિયાદ કરી હતી. આ ફરિયાદનો ખાર રાખી અખ્તર ખીરાને ગઇકાલે લાલવાડી વિસ્તારમાં હુસેને બોલાવ્યો હતો. જ્યાં આબીદ મુસા ચાડ, હુસેન દાઉદ જુણેજા, અયાન ફિરોજભાઈ સુધાગુનિયા, મહંમદરેહાન યાકુબ નામના શખસોએ તલવાર, છરી અને કોઇતા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી.


