ભાણવડ તાલુકાના ધારાગઢ ગામના ફાટક પાસે આવેલી અવાવરૂ જગ્યામાં મુળ લાલપુરના મોડપર ગામના વતની અને હાલ જામનગરમાં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે સામૂહિક ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવથી હાલારમાં હાહાકાર મચી ગયો છે. ભાણવડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ એક સાથે ચાર મૃતદેહોનો કબ્જો સંભાળી સ્થળ પરથી બાઈક અને એકટીવા કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.
હાહાકાર મચાવનાર બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામના વતની અને હાલ જામનગરમાં માધવબાગ-1 માં રહેતાં અશોકભાઈ ધુવા (ઉ.વ.42) તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુવા (ઉ.વ.42), પુત્ર જિગ્નેશ અશોકભાઈ ધુવા (ઉ.વ.20), પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુવા (ઉ.વ.18) નામના ચારેય સભ્યોએ આજે સાંજે ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં એક સાથે સામૂહિક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારના ચારેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા ભાણવડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લોકોના ટોળા પણ એકઠાં થઈ ગયા હતાં. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા અશોકભાઈ અને તેમના પત્ની લીલુબેન તથા પુત્ર જિગ્નેશ અને પુત્રી કિંજલબેન નામના ચારેય સભ્યોએ સામૂહિક ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી.
ભાણવડ પોલીસે સ્થળ પર પહોંચી જઇ ચારેયના મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પરિવારજનોએ સામૂહિક કયાં કારણોસર આપઘાત કર્યો ? તે અંગેનું તારણ જાણવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરતા ઘટનાસ્થળેથી મૃતક પરિવારનું બાઈક અને એકટીવા મળી આવ્યું હતું જે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.