દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારથી જાણે ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હોય તેમ બપોર બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં પોણા ચાર ઈંચ તેમજ જિલ્લાના અન્ય ગામોમાં પણ હળવો તથા ભારે વરસાદ નોંધાયો છે.
ગઈકાલે ગુરુવારે ખંભાળિયા પંથકમાં સવારથી વરસાદી ડહોળ વચ્ચે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેણે થોડીવારમાં ગતિ પકડી હતી. ગઈકાલે બપોરે આશરે ત્રણેક વાગ્યે શરૂ થયેલો વરસાદ સાંજે સાત વાગ્યા સુધી ભારે ઝાપટા રૂપે વરસ્યો હતો અને આ ચારેક કલાકના સમય ગાળામાં કુલ પોણા ચાર ઈંચ (91 મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 181 મિલીમીટર પડી ચૂક્યો છે.
આ ભારે વરસાદના પગલે ખંભાળિયાના નગર ગેઈટ, પોર ગેઈટ, લુહારશાળ, પાંચ હાટડી ચોક વિગેરે વિસ્તારોમાં થોડો સમય પૂર જેવા પાણી વહી નીકળ્યા હતા. આ વરસાદના પગલે લોકોએ મન ભરીને નાહવાની તેમજ ભજીયા આરોગવાની મોજ માણી હતી.
આ નોંધપાત્ર વરસાદ વરસતા અત્રે સલાયા ગેઈટ પાસે આવેલા સુખનાથ મહાદેવના મંદિર પાસે ચાલી રહેલા માર્ગના કામમાં ડાયવર્ઝન વાળો રસ્તો ધોવાઈ જતા આ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને તેલી નદીમાં પુર આવતા આ માર્ગ થોડો સમય માટે બંધ થઈ ગયો હતો.
આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાવી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ રીતે રામનાથ રોડ ઉપર પણ ભારે વરસાદી પાણી ભરાતા નગરપાલિકાના સેનિટેશન વિભાગને તાકીદે દોડવું પડ્યું હતું.
જામનગર તરફથી ખંભાળિયામાં પ્રવેશ માટેના હાઈ-વે માર્ગ પર ઓવરબ્રિજનું કામ હજુ અધુરુ હોવાના કારણે ગઈકાલે ભારે વરસાદના કારણથી બંને બાજુ પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાઈ ગયા હતા. આ ગંભીર મુદ્દે અહીંના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ માર્ગ તાકીદે બને અને પુલ ચાલુ કરી દેવામાં આવે તેવી માંગ કરી છે.
ગઈકાલે આ વરસાદની હેલી સમગ્ર જિલ્લામાં વરસી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભાણવડ પંથકમાં 36 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 29 અને દ્વારકા તાલુકામાં 17 મીલીમીટર વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 181 મી.મી., ભાણવડ તાલુકામાં 68 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 33 અને દ્વારકા તાલુકામાં 23 મી.મી. નોંધાયો છે. જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 10 ટકા વરસી ચૂક્યો છે.
વાવણીને ફાયદાકારક અને કાચા સોના જેવા આ વરસાદથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશલ બન્યા છે. આ વરસાદના પગલે ખંભાળિયા શહેરના અનેક માર્ગો પર ગાબડા પડી જતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારથી વાતાવરણમાં વરસાદી વાદળો વચ્ચે દિવસ દરમિયાન વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.