દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ બની રહ્યો છે. ખાસ કરીને દ્વારકા તાલુકામાં મેઘરાજાએ વધુ હેત વરસાવ્યું છે. છેલ્લા 48 કલાક દરમિયાન આશરે ચાર ઈંચ જેટલા વરસાદથી દ્વારકા પંથકનું પાક-પાણીનું ચિત્ર ઉજળું જોવા મળી રહ્યું છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કાલાવડમાં 7 મીમી તથા જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. જ્યારે ગઇકાલે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન કાલાવડમાં ઘોધમાર બે ઇંચ પાણી વરસી ગયુ હતુ. જયારે ધ્રોલમાં વધુ એક ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 થી 8 દરમિયાન જામનગર શહેરમાં વધુ 8 મીમી વરસાદ નોંધાયો હતો.
સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રવિવારે ચઢતા પહોરે દ્વારકા તાલુકામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે બે દિવસના સમયગાળા દરમિયાન દ્વારકા તાલુકામાં કુલ 97 મિલીમીટર વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. આ સાથે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા 26 ઈંચ (662 મિલીમીટર) નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન હળવા તથા ભારે ઝાપટા રૂપે બે ઈંચ (49 મિલીમીટર) મીટર વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 25 ઈંચ જેટલો (617 મિલીમીટર) વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ અવિરત રીતે શ્રાવણી સરવળા વરસ્યા હતા. જેમાં બે દિવસના સમયગાળા દરમિયાન દોઢ ઈંચ (33 મિલીમીટર) વરસાદ વરસ્યો છે. આ સાથે ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ વરસાદ સાડા 36 ઈંચ (913 મિલીમીટર) નોંધાયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર ઝાપટા વરસ્યા હતા.
મેઘરાજા ભાણવડ તાલુકા માટે અળખામણા બની રહ્યા હતા અને બે દિવસમાં ફક્ત ચાર મિલિમિટર વરસાદ રવિવારનો નોંધાયો છે. ભાણવડમાં મોસમનો કુલ વરસાદ ફક્ત 15 ઈંચ (378 મિલીમીટર) થયો છે. ઉપરોક્ત આંકડામાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન કલ્યાણપુરના 12 મીલીમીટર તથા ખંભાળિયા અને દ્વારકાના 10-10 મી.મી. ના આંકડા પણ સામેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા તાલુકામાં 123 ટકા અને ખંભાળિયા તાલુકામાં 112 ટકા વરસ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં 71 ટકા અને ભાણવડ તાલુકામાં ફક્ત 51 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 90 ટકા થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 10 તથા 11 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જામનગર શહેર જિલ્લામાં ગઇકાલે વરસાદી વાતાવરણ વચ્ચે કાલાવડ, જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. ત્યારે ગ્રામ્ય પંથકમાં આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના વસઇમાં 5 મીમી, લાખાબાવળમાં 8મીમી, ફલ્લામાં 9 મીમી, દરેડમાં 5 મીમી, ધ્રોલના લતીપુરમાં 5 મીમી, જાલિયાદેવાણીમાં 10 મીમી, કાલાવડ તાલુકાના નિકાવામાં 20 મીમી, ખરેડીમાં 25 મીમી, મોટાવડાળામાં 30 મીમી, ભ.ભેરાજામાં 25 મીમી, મોટાપાંચદેવડામાં 25 મીમી, જામજોધપુરના શેઠવડાળામાં 5 મીમી, જામવાડીમાં 5 મીમી, વાંસજાળીયામાં 11 મીમી, ધુનડામાં 3 મીમી, ધ્રાફામાં 17 મીમી, પરડવા 14 મીમી તથા લાલપુર તાલુકાના પડાણામાં 10, ભણગોરમાં 1 મીમી, મોટાખડબામાં 2 મીમી અને ડબાસંગમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો.
શનિવારે કાલાવડ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો લગભગ બે કલાક સુધી વરસેલા વરસાદે વધુ 53 મીમી પાણી ઠાલવી દેતા માર્ગો ફરી જળબંબોળ થયા હતા. જયારે ધ્રોલમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુર તથા લાલપુરમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું.
જામનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ રવિવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં જોડીયાના બાલંભામાં 5 મી.મી., ધ્રોલના લતીપુરમાં 7 મી.મી., લૈયારામાં 36 મી.મી., કાલાવડના નીકવામાં 15 મી.મી., ખરેડીમાં 15 મી.મી., ભ. ભેરાજામાં 25 મી.મી., નવાગામ માં 22 મી.મી., મોટા પાંચ દેવડામાં 20 મી.મી., જામજોધપુરના સમાણામાં 2 મી.મી., શેઠ વડાળામાં 10 મી.મી., વાંસજાળીયામાં 5 મી.મી., ધુનડામાં 28 મી.મી., પરડવામાં 8 મી.મી., લાલપુરના પડાણામાં 20 મી.મી., ભણગોરમાં 1 મી.મી., મોટા ખડબામાં 3 મી.મી., મોડપરમાં 32 મી.મી., અને ડબાસંગમાં 5 મી.મી. વરસાદ વરસ્યો હતો.