ખંભાળિયા નજીકના જામનગર તરફના રેલ્વે ટ્રેક પર ગઈકાલે રવિવારે સાંજે એક માલગાડીની હડફેટે દસ જેટલી ગાયો ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત આશરે ચાર થી છ જેટલી ગાયોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલીક ગાયોને ઈજાઓ થતા અહીંની પશુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર બનાવની ગૌસેવકો તેમજ રેલવે વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી જામનગર તરફના રેલવે માર્ગ પર મોડપુર ગામથી થોડે દૂર મીઠાપુરની ટાટા કંપનીમાં જઈ રહેલી એક ક્ધટેનર ટ્રેન ગઈકાલે સાંજે સાતેક વાગ્યે મોડપુર નજીક પહોંચી, ત્યારે આ રેલવે ટ્રેક પર રહેલી આશરે 10 જેટલી ગાયોને આ ટ્રેનની ટક્કર લાગી હતી. જેના કારણે આશરે ચાર થી છ જેટલી ગાયોના મૃત્યુ નીપજયા હોવાનું ગૌસેવકો દ્વારા જાણવા મળ્યું છે.
જ્યારે અન્ય કેટલીક ગાયોને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખંભાળિયામાં આવેલી જાણીતી સેવા સંસ્થા લાભુબેન રણછોડદાસ બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સંસ્થાના ટ્રસ્ટી પરાગભાઈ બરછાના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સક ડોક્ટર આંબલીયા દ્વારા ઇજાગ્રસ્ત ગૌવંશને સારવાર આપવામાં આવી હતી. આ બનાવ બનતા ગૌસેવકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને રેલવે તંત્ર દ્વારા પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.