સમગ્ર ભારતમાં માત્ર બે જ એવા શિવ મંદિર આવેલા છે કે, જ્યાં મંદિરમાં ચારેય દિશાએથી ભગવાન શિવના દર્શન થઇ શકે છે. આવુ જ એક શિવ મંદિર છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ એવા જામનગર શહેરમાં આવેલું છે. કાશી વિશ્વનાથ રોડ ઉપર આવેલ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરમાં ચારેય દિશાએથી ભગવાન શિવજીના ચરણોમાં શિષ જુકાવી શકાય છે.
જામનગરમાં જેટલા શિવ મંદિરો છે. એટલા શિવ મંદિરો કદાચ એકપણ શહેરમાં નહીં હોય. 1850ની સાલમાં જામનગરના ખવાસ કરશનભાઇ કાશીના પ્રવાસે ગયા હતાં. ત્યારે તેમને જામનગરમાં ભગવાન શિવની મોટી મૂર્તિ સ્થાપીને મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો અને તેઓ કાશીમાંથી ભગવાન શિવનું પૂજન કરીને મૂર્તિ લઇને ગાડામાર્ગે માર્ગ ઉપર સતત દૂધ અને જલની ધારા વ્હેવરાવી જામનગર આ મૂર્તિ લાવ્યા અને કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરવા માટે 17-17 વર્ષથી બાંધકામ ચાલ્યું અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થયું હતું. જામનગરમાં આવેલ સુપ્રસિધ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલે મંદિરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. તેના ભાગરૂપે આવતીકાલે સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, 12 વાગ્યે રાજભોગ દર્શન તેમજ સાંજે 6:30 વાગ્યા પછી અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભાવિકભક્તોએ લાભ લેવા મંદિરના ટ્રસ્ટીઓ અને સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.