ખંભાળિયાના ભૂતપૂર્વ ગાયનેક તબીબ તથા રાજકોટની સુવિખ્યાત વિંગ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સંજયભાઈ દેસાઈના પિતા રતિલાલભાઈ દેસાઈનું 78 વર્ષની જૈફ વયે ગુરૂવાર તારીખ 21ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે.
’મંજૂર’ નામથી વિખ્યાત અને પ્રથમ હરોળના મનાતા સાહિત્યકાર એવા રતિલાલભાઈ દેસાઈની અનેક કૃતિઓ અવિસ્મરણીય બની રહી છે. જીવનના અંત સુધી ધાર્મિક તથા સામાજિક રીતે સક્રિય રહેલા રતિલાલભાઈ જીવરાજભાઈ દેસાઈના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. ખંભાળિયામાં પણ અનેક વખત તેમના અધ્યક્ષ સ્થાને સાહિત્ય કાર્યક્રમો તથા મુશાયરામાં ’ મંજૂર’ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જાણીતા ગાયનેક ડોક્ટર સંજય દેસાઈના પિતા તેમજ ડોક્ટર પ્રતિક્ષાબેન દેસાઈના સસરા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના મૂળ વતની એવા રતિલાલભાઈ દેસાઈનું નિધન થતાં ખંભાળિયા પંથક સાથે રાજકોટના તબીબી આલમ ઉપરાંત સાહિત્ય જગતમા પણ ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આ દુ:ખદ પ્રસંગે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11 રાજકોટમાં રૈયા રોડ ઉપર આલાપ ગ્રીન સીટી સામે આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયાના પૂર્વગાયનેક ડો. સંજય દેસાઈના પિતાનું નિધન
આવતીકાલે શ્રધ્ધાંજલિ સમારોહ