અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ મોહમ્મદ ગનીને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) દ્વારા વર્ષ 2021ના સૌથી ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસીસીઆરપી સમગ્ર વિશ્ર્વના સ્વતંત્ર મીડિયા આઉટલેટ્સ માટે એક સ્વયંસેવી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પ્લેટફોર્મ છે. બેલારૂસનો રાષ્ટ્રપતિ એલેકસાન્દ્રા લુકાશેન્કો આ યાદીમાં સૌથી ટોચ પર છે. આ ઉપરાંત આ યાદીમાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તેયપ એર્ડોગન અને ભૂતપૂર્વ ઓસ્ટ્રિયાઈ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જ સામેલ છે.
ઓસીસીઆરપીએ જણાવ્યું હતું કે ગની નિશ્ચિત રૂપે એક ઇનામના પણ હકદાર છે. તે પોતાના ભ્રષ્ટાચાર અને ભારે અક્ષમતાઓ વચ્ચે શ્વાસ લઈ રહ્યા છે. તેમણે અફઘાનિસ્તાનમાં ખરાબ સ્થિતિ દરમિયાન તેમના લોકોનો સાથ છોડી દીધો હતો. ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો એક રિપોર્ટ તૈયાર કરવા માટે છ પત્રકારો અને વિદ્વાનોની બનેલી પેનલે લુકાશેન્કોને આ યાદીમાં ટોચ પર રાખ્યા છે. આ પેનલમાં આરબ રિપોર્ટર્સ ફોર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (એઆરઆઇજે)ના વરિષ્ઠ રિપોર્ટર બોયાંગ લિમ, પુલિત્ઝર સેન્ટરના વરિષ્ઠ સંપાદલ લુઇસ શેલી, જ્યોર્જ મેસન યુનિ.માં શાર સ્કૂલ ઓફ પોલિસી એન્ડ ગવર્નમેન્ટમાં એક લેખક અને પ્રાધ્યાપક પાલ રાડુ, પુરસ્કાર વિજેતા ક્રોસ બોર્ડર ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર અને ઓસીસીઆરપીના સહસ્થાપક તેમજ ડાયરેક્ટર ડુ સુલિવન પણ સામેલ છે.
ઓસીસીઆરપીના અહેવાલ મુજબ 67 વર્ષીય લુકાશેન્કો 1993થી બેલારૂસની સત્તા પર કબ્જો ધરાવે છે. ચૂંટણીમાં ધાંધલી, ટીકાકારોને હેરાન કરવાથી લઈ દેખાવકારોની ધરપકડ અને મારપીટાઈ કરી તેણે તેની સત્તા જાળવી રાખી છે. જ્યારે અસદે સીરિયાને એક વિનાશક ગૃહયુદ્ધમાં ધકેલ્યુ છે અને સત્તા પર રહી કરોડો ડોલરની ચોરી કરી છે.