ભારતીય મેન્સ બેડમિંટન ટીમે સેમિ ફાઈનલમાં ડેનમાર્ક સામે 3-2થી રોમાંચક વિજય મેળવતા થોમસ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે થોમસ કપના 73 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. નોંધપાત્ર છે કે અગાઉ ક્યારેય ભારતીય મેન્સ બેડમિંટન ટીમ થોમસ કપની સેમિ ફાઈનલ સુધી પણ પહોંચી શકી નહતી.
ભારતે મલેશિયાને 3-2થી હરાવીને થોમસ કપના ઈતિહાસમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત કર્યો હતો. આજે રમાયેલી સેમિ ફાઇનલમાં ભારતનો લક્ષ્ય સેન ડેનમાર્કના એક્સલસેન સામે 13-21, 13-21થી હારી ગયો હતો. જે પછી સાત્વિક-ચિરાગે એસ્ટ્રુપ-ક્રિસ્ટીનસેનને 21-18, 21-23, 22-20થી હરાવીને ભારતને 1-1થી બરોબરી અપાવી હતી. કિદામ્બિ શ્રીકાંતે એસ્ટોનસનને 21-18, 12-21, 21-15 થી હરાવતા ભારતે 2-1થી લીડ મેળવી હતી. જોકે ક્રિશ્ન પ્રસાદ-વિષ્ણુવર્ધન 14-21, 13-21થી રાસમુસન-સોરાર્ડ સામે હારી જતાં મેચ 2-2થી બરોબરી પર આવી ગઈ હતી. આખરે પ્રનોયે જેમ્કેને 13-21, 21-9, 21-12થી હરાવીને ભારતને ઐતિહાસિક ફાઈનલ પ્રવેશ અપાવ્યો હતો.