ભારતમાં એન્ટીબોડી કોકટેલ સારવારના ઉપયોગને મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ પર આ સારવાર શરુ કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ બે દર્દીઓ ઉપર એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન મારફતે સારવારનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર એન્ટીબોડી કોકટેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બે દર્દી પર થયેલા એન્ટીબોડી કોકટેલ સફળતાપૂર્વક ઉપયોગ થયો હોવાનું ગોકુલ હોસ્પિટલના તબીબો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એન્ટીબોડી કોકટેલની એક ડોઝની કિંમત 1 લાખ હોય છે. રાજકોટની ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલ કેર ટીમના સિનિયર કન્સલટન્ટ ડોકટર તેજસ મોતીવરસ, ડોકટર દિગ્વિજયસિંહ જાડેજા અને ડોકટર તેજસ કરમટાનાં જણાવ્યા મુજબ, બન્ને દર્દીઓનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. પરંતુ આ ઇન્જેક્શન આપ્યા બાદ ઓક્સીજન લેવલ ઊંચું આવ્યું હતું. કોરોનાના ગંભીર દર્દીઓ માટે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ખૂબ અસરકારક હોવાનો દાવો ડોક્ટર દ્રારા કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ વખત ગુજરાતમાં વડોદરામાં એક દર્દીની આ પ્રકારે સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટમાં બે દર્દીઓ ઉપર સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે.
એન્ટીબોડી કોકટેલમાં કેસીરીવિમેબ અને ઈમડેવિમેબ નામના બે પ્રકારના એન્ટીબોડીનો સમાવેશ થાય છે. જેના થકી આ સારવાર આપી શકાય છે. એન્ટીબોડી કોકટેલ અમેરિકાની બાયો ટેકનોલોજી કંપની ‘જેનરોન’ ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવેલું એન્ટીબોડી મિશ્રણ છે. જે ભારતમાં સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આ કોકટેલ રોશ ફાર્માસ્યુટિકલ કંપની અમેરીકા સાથે ભાગીદારી કરીને વિતરણ કરી રહી છે.
મોટી ઉંમરના દર્દીઓ, ડાયાબિટીસ, હૃદયની બીમારી, કિડનીની બીમારી, કેન્સર તથા અન્ય મલ્ટીપલ મેડિકલ ડીસીઝવાળા દર્દીઓને કોવિડનું નિદાન થયા બાદ ટૂંકા સમયમાં આપવાથી ફાયદો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.