જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા સુભાષ માર્કેટમાંથી અઢાર ફ્રુટના નમૂના લઇ લેબોરેટરીમાં ચેકિંગ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ વેજ, નોનવેજ, ખાણીપીણીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
એફએસએસએઆઇ ન્યુ દિલ્હીના નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ફ્રેશ ફ્રુટ+શાકભાજી, ખાદ્ય ચીજોની સ્પેશિયલ સર્વેલન્સ ડ્રાઈવ અંગે ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશનર ફુડ સેફટી, ગાંધીનગરના આદેશ અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સુચના મુજબ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 અને તે અન્વયેના નિમયો હેઠળ સર્વેલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી ઓફિસર દ્વારા સુભાષ માર્કેટમાંથી અઢાર ફ્રુટના નમૂના લઇ અમદાવાદ લેબોરેટરીમાં ચેકિંગ અર્થે મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં શંકરટેકરીમાં શક્તિ ગૃહ ઉદ્યોગમાં સાફ સફાઈ અને સ્વચ્છતા રાખવા લેબર પ્રોવિઝનનું પાલન કરવા અને હાઈજેનિક કંડીશન મેઈનટેન કરવા સુચના આપી હતી. શેઠફળી 2 માં શૈલેષભાઈ જનકરાય મહેતાની ફરિયાદ અનુસંધાને પટેલ હંસરાજ મનજી દારિયાવાળાને ત્યાં ફરિયાદીને હાજર રાખી એફએસએસએઆઇના નિયમો જોગવાઈઓનું પાલન કરવા અને આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણ ન ફેલાય તે અંગે ચિમનીની ઉંચાઈ વધારવા સુચના આપી હતી અને ફુડ શાખાને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. ત્રણબતી ચોકમાં ફીશ માર્કેટ એસોસિએશનમાં ચેકિંગ દરમિયાન ફિશ / મટન માર્કેટમાં પ્રોપર કલોરીનેશન કરવું, વાંસ / દુર્ગંધ ન થાય તે માટે કાળજી રાખવી અને એસોસિએશનના પ્રમુખને સદર વિસ્તારમાં મચ્છીની દુર્ગંધ ન ફેલાય તે માટે કેમિકલ/પેસ્ટીસાઈડ સ્પ્રે કરવા તેમજ જરૂર જણાયે આ અંગેના જાણકારનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નવીવાસ મસ્જિદ પાસે જલારામ સ્વીટ માર્ટસ તથા સેન્ટ્રલ બેંક પાસે દિલીપ ડેરીમાં પણ ચેકિંગ કરાયું હતું.