જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી મોતીચુરના લાડુ, ગુલાબજાંબુ, મેસુબ, ચાસણી સહિત કુલ રૂા.76,400 ની કિંમતનો 338 કિલો ખાદ્ય સામગ્રીનો વાસી જથ્થો ઝડપી લઇ તેનો નાશ કર્યો હતો.
દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં મીઠાઈ તથા ફરસાણનું વેંચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે દિવાળીના તહેવાર અને ફુડ સેફટી પખવાડા અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તા.22 ના રોજ દિગ્જામ સર્કલમાં આવેલ બાલાજી સ્વીટના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાતા રૂા.14000 ની કિંમતના 70 કિલો મોતીચુરના લાડુ અનહાઈજેનિક કંડીશનમાં જણાતા તેમાં પાણી નાખી નાશ કર્યો હતો. આ ઉપરાંત ખોડિયાર કોલોની હિમાલય સોસાયટી-1 માં આવેલ ક્રિષ્ના ગુલાબજાંબુ નામની પેઢીમાં ચેકિંગ હાથ ધરતા ગુલાબજાંબુના પેકિંગ લેબર વગર સપ્લાય કરતા જણાતા જે એફએસએસએઆઈની જોગવાઈનું પાલન થતું ન હોય. તેમજ તેલ પણ ટીપીસી 25 ઉપર થવા છતાં ઉપયોગ કરતા હોય. તેમજ ચાસણી પણ અખાદ્ય અને ખુલ્લી જણાતા રૂા.5400 ની કિંમતના 500 ગ્રામના 90 બોકસના 45 કિલો ગુલાબજાંબુ, રૂા.4200 ની કિંમતનું 30 કિલો તેલ, રૂા.3000 ની કિંમતની 50 કિલો ચાસણી સહિત કુલ રૂા.12,600 ની કિંમતના 125 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
તેમજ બેડેશ્વરમાં રામનગરના ઢાળિયા પાસે આવેલ વૃષભ ગૃહ ઉદ્યોગના ગોડાઉનમાં ચેકિંગ દરમિયાન રૂા.2800 ની કિંમતના આઠ કિલો લાડુ, રૂા.7000 ની કિંમતનો 35 કિલો મેસુબ, રૂા.40000 ની કિંમતનો 100 કિલો ફ્રીઝ કરેલ વાસી માવો મળી આવતા કુલ રૂા.49800 ની કિંમતના 143 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.
આમ કુલ રૂા.76400 ની કિંમતના 338 કિલો અખાદ્ય પદાર્થ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.


