જામનગર જી.જી. હોસ્પિટલના તબીબી શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ આજરોજ સૂત્રોચ્ચાર કરી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ડોકટરોની હડતાલને પગલે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી અને દર્દીઓ તથા તેમના પરિવારજનો પરેશાનીમાં મૂકાયા હતાં.
ગુજરાત મેડિકલ/ડેન્ટલ ટીચર્સ એસોસિએશન, ઇન સર્વિસ ડોકટર એસોસિએશન, ઇએસઆઇએસ જીએમઇઆરએસ ડોકટર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજથી તમામ ડોકટરો અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતાં તેમજ ઇમરજન્સી સેવાઓથી પણ અડગા રહ્યા હતાં. જેને પરિણામે જી.જી. હોસ્પિટલમાં આવતાં દર્દીઓ પરેશાનીમાં મૂકાયા હતાં. ઉલ્લેખનિય છે કે, જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતાં હોય છે. ત્યારે ડોકટરોની હડતાલને પરિણામે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી પડી હતી. જેને પરિણામે દર્દીઓને લાંબી લાઇનો જોવા મળી હતી. ડોકટરોની હડતાલને પગલે દર્દીઓ દર્દથી પરેશાન તો હતા જ ઉપરથી સારવાર ન મળતાં પરેશાનીમાં વધારો થયો હતો. જેને પરિણામે દર્દીઓ તેમજ તેમના પરિવારજનોમાં રોષની લાગણી છવાઇ હતી.