Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારનાતાલ પૂર્વે દ્વારકામાં યાત્રિકોનો અવિરત પ્રવાહ

નાતાલ પૂર્વે દ્વારકામાં યાત્રિકોનો અવિરત પ્રવાહ

પખવાડિયામાં લાખો ભાવિકો મુલાકાત લેશે : હોટલ, ગેસ્ટ હાઉસ, ભવન, ધર્મશાળાઓ ફુલ થઈ ગઇ

- Advertisement -

ગત વિક-એન્ડથી અઘોષિત રીતે (અનઓફીશીયલી) શરૂ થઈ ગયેલા ક્રિસમસના વેકેશનમાં સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. ખાસ કરીને ગુજરાતીઓ માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશના દર્શનની સાથોસાથ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુનો આનંદ માણવા દ્વારકાના પ્રવાસને પ્રાધાન્ય આપી રહ્યા છે. આમ તો હવે આખા વર્ષ દરમ્યાન દ્વારકામાં યાત્રાળુઓનો પ્રવાહ જોવા મળતો હોય છે. પરંતુ જન્માષ્ટમી, દીપોત્સવી, ફૂલડોલ ઉત્સવ તથા ક્રિસમસના વેકેશનમાં દર્શનાર્થીઓ સાથે સહેલાણીઓનું ઘોડાપુર ઉમટે છે.

- Advertisement -

દ્વારકા, બેટ દ્વારકા સહિતના યાત્રાધામ તેમજ પર્યટન સ્થળોમાં આગામી પખવાડિયામાં લાખો દર્શનાર્થીઓ તથા સહેલાણીઓએ યાત્રાધામમાં દર્શન તથા પ્રવાસનનો લાભ લેનાર હોવાથી અહીંની હોટલ, ગેસ્ટ હાઉસમાં હાઉસ ફુલના બોર્ડ જોવા મળી રહયા છે. તો બજારોમાં પણ પ્રવાસીઓની ભીડ જોતા રોનક છવાઈ હોવાથી સ્થાનિક વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.

આ વખતે નાતાલના તહેવાર અને વેકેશનના સમયગાળામાં રજાના માહોલમાં સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટના 25 થી 30 જેટલા જજો અલગ અલગ સમયે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા હોવાથી હોય સરકારી તંત્ર દ્વારા સર્કિટ હાઉસ, ગુજરાત ટુરીઝમના તોરણ ગેસ્ટહાઉસ સહિત અન્ય સરકારી અતિથિ ગૃહોમાં સંપૂર્ણ બુકીંગ નોંધાયા છે. અને પ્રશાસન દ્વારા તેમના પ્રોટોકોલ અનુસાર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

- Advertisement -

નાતાલના તહેવારના દિવસોમાં હાલ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ચઢાવવામાં આવતી છ ધ્વજાજીમાં પણ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ધ્વજાજી ચઢાવવામાં આવનાર હોય, તેમજ આ તહેવારોમાં ઠાકોરજીને કુંડલા ભોગ, છપ્પન ભોગ, કુનવારા ભોગ, સુકા મેવા મનોરથ વિગેરે મનોરથો પણ યોજાનાર હોય જગતમંદિરમાં હજારો દર્શનાર્થીઓને વિવિધ મનોરથોનો વિશેષ માહોલ જોવા મળશે.

દ્વારકા વિસ્તારમાં ક્રિસમસના તહેવારોને અનુલક્ષીને દર વર્ષે લાખો ભાવિકો તથા સહેલાણીઓ યાત્રાધામ દ્વારકા સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, રૂકિમણી મંદિર, ગોપી તળાવ જેવા ધાર્મિક સ્થળો તેમજ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના સહેલાણીઓને મનોરંજન આપતા સ્થળોની મુલાકાતે આવનાર હોય, તેમજ આ વખતે ગુજરાતી ઉપરાંત હિન્દી બેલ્ટના રાજ્યના ભાવિકો તથા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમી દિપાવલીના તહેવારોમાં વિશેષ ભીડ માટે જે રીતે વ્યવસ્થા ગોઠવાય છે, તે જ રીતે નાતાલના તહેવારોમાં પણ યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેવી અલાયદી વ્યવસ્થા પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી રહી છે.

- Advertisement -

નાતાલના મીની વેકેશનમાં આ વર્ષે દ્વારકા યાત્રાધામમાં 80 થી 100 જેટલી વિદ્યાર્થી ટુર આવી રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકાના ભડકેશ્વર બીચ, સનસેટ પોઈન્ટ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, સંગમનારાયણ બીચ તેમજ દ્વારકાથી બેટ દ્વારકા સુધીના શિવરાપુર બીચ, મોમાઈ બીચ, બેટ દ્વારકાના વિવિધ બીચ વગેરે ટુરીસ્ટ સ્થળો વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લઈ દરીયાઈ જીવસૃષ્ટિના અભ્યાસ સાથે પ્રવાસન સ્થળોનો લુત્ફ ઉઠાવનાર છે.

ડિસેમ્બર માસના ઉત્તરાર્ધથી જ યાત્રાધામ દ્વારકામાં પર્યટકોની ચહલ-પહલ જોવા મળી રહી છે અને મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્ટાર કેટેગરીની હોટેલોમાં એકાદ સપ્તાહથી બુકિંગ કુલ છે. ત્યારે અન્ય હોટેલ, ગેસ્ટહાઉસ, ભવન, હોમ-સ્ટે વિગેરેમાં પણ નોંધપાત્ર બુકિંગ થઈ ચૂક્યા છે. જેના કારણે યાત્રાળુઓની વ્યાપક ભીડભાડને લીધે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ માટે પણ તેજીની સીઝન ખૂલી હોય તેમ હાઉસફૂલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

હાલ નાતાલના તહેવારોમાં યાત્રાધામ દ્વારકા ઉપરાંત દરીયાઈ પટ્ટીના શિવરાજપુર બીચ, બેટ દ્વારકા સહિતના સ્થળો પર દર વર્ષની જેમ ટુરીસ્ટ કેમ્પ પણ યોજાઈ રહયા હોય દરીયાઈ જીવસૃષ્ટિ નિહાળનારા સહેલાણીઓ સહિત યાત્રિકોનો માનવ મહેરામણ ઉમટતો જોવા મળી રહ્યો છે. જે સ્થિતિ લગભગ 10 જાન્યુઆરી સુધી જોવા મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular