Sunday, January 12, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં કલેકટર એમ.એ. પંડયાના હસ્તે ધ્વજવંદન

ખંભાળિયામાં કલેકટર એમ.એ. પંડયાના હસ્તે ધ્વજવંદન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં 74 મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી ખંભાળિયાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

- Advertisement -

કલેકટરએ દેશના 74માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણો દેશ વિશ્ર્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. અનેક કીર્તિમાન સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમજ જી-20 સમીટનું આયોજન કરી આપણે વધુ એક સફળતાનું સોપાન મેળવ્યું છે.

વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે, ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રે સમતોલ વિકાસની અદભુત કેડી કંડારાઈ છે. શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઇ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.

- Advertisement -

કલેકટરએ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ પરેડ નિરીક્ષણ વેળાએ એસપી નિતેશ પાંડે સાથે રહ્યાં હતા. રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કલેકટરના હસ્તે વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત પલક નામના શ્વાનનો શો આકર્ષક રહ્યો હતો. તથા કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર.પરમાર, ખંભાળિયા પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular