કાલાવડ તાલુકાના જાલણસર ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં રમતા સમયે પાંચ વર્ષની બાળકીને વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. ધ્રોલમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિવ્યાંગ મહિલા તેણીના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી ક્રેસર ઉપરથી અકસ્માતે પડી જતાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને કાલાવડ તાલુકાના જાલણસર ગામની સીમમાં આવેલા રમેશભાઇ પટેલના ખેતરમાં મજૂરી કામ કરતા ભારત જગુડિયા ભરડિયા નામના યુવાનની પુત્રી સંગીતાબેન (ઉ.વ.5) નામની બાળકી રવિવારે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં ખેતરમાં રમતી હતી ત્યારે સોલારમાં અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઇ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ભારત દ્વારા જાણ કરાતા હેકો વી.વી. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલમાં ભવ્યગ્રીન સોસાયટીમાં રહેતાં અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા જસવંતીબેન બેચરભાઈ રાછવાણી (ઉ.વ.49) નામના દિવ્યાંગ મહિલાને રવિવારે સાંજના સમયે દુ:ખાવો થવાથી ક્રેસર ઉપરથી અકસ્માતે નીચે પડી જતાં મોઢાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે જેતલબેન મકવાણા દ્વારા જાણ કરાતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.