જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઇસ-2માં આવેલાં બ્રાસપાર્ટના કારખાનામાંથી અજાણ્યા તસ્કરે રૂા.2.28 લાખની કિંમતના બ્રાસના 480 કિલો ઇનગોટની ચોરીના બનાવમાં એલસીબીની ટીમે પાંચ તસ્કરોને દબોચી લઇ રૂા.2.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં અને મહારાષ્ટ્રના વતની અશોકભાઇ એડેકર નામના યુવાનના દરેડ જીઆઇડીસી ફેઇસ-2માં આવેલાં સી-1/448 નંબરના પ્લોટમાં આવેલાં ગણેશ કાસ્ટ નામના બ્રાસપાર્ટના કારખાનામાંથી બે માસ દરમ્યાન અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી કારખાનામાં રહેલો રૂા.2,28,000ની કિંમતના 480 કિલો બ્રાસના ઇનગોટની ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ ગુરૂવારે કારખાનેદાર દ્વારા આ ચોરી થયાની જાણ કરાતા પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરમ્યાન એલસીબીના ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.જે.ભોયે તથા ટીમે દરેડ ગામમાં મસિતિયા રોડ પરથી શ્યામસુંદર હાકીમ જાટવ તથા દરેડમાં ગણેશ કાસ્ટમાં રહેતાં ઉતર પ્રદેશના વતની ઉમેશ ઓમપ્રકાશસિંગ ઠાકુર, શિવશંકર યશપાલસિંગ રાજપુત, રિકુસિંગ મહેશ ચંદ અને ગૌરવ મનિષ ઠાકુર નામના પાંચ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.2,18,500ની કિંમતના 460 કિલો 29 નંગ બ્રાસના ઇનગોટ અને રૂા.30,000ની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.2,48,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ચોરીના બનાવમાં ચાર તસ્કર ગણેશ કાસ્ટમાં જ રહેતાં હતાં. એલસીબી પાંચેય તસ્કરોની ધરપકડ કરી પંચ-બી પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.