ખંભાળિયા નજીકના એક મંદિર પાસે થોડા દિવસો પૂર્વે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં કેટલાક મહિલાઓના કિંમતી સોનાના ચેનની ચોરી થઈ અને બનાવ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને એલસીબી પોલીસે રાજકોટની દાતનીયા ગેંગની ચાર મહિલાઓ સહિત પાંચને ઝડપી લઇ, રૂ. 7.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના પાટીયા પાસે આવેલા રામદેવ પીરના થંભના ધાર્મિક કાર્યક્રમમાં આજથી આશરે એકાદ માસ પૂર્વે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. અહીં એકઠા થયેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈ અને કેટલાક મહિલાઓના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
આ પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમી તેમજ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચાવડાના ટેકનીકલ લેવલથી એનાલિસિસમાં ખંભાળિયામાં ખામનાથ પુલ પાસેથી રાજકોટ ખાતે રહેતી લાભુબેન પોલા કાંજિયા, પ્રભાબેન કિશન સોલંકી, મીનાબેન જીવન કાવઠીયા અને જનાબેન અજીત સોલંકી તથા બબલુ ધીરુ રામસિંગ ઉધરેજીયા નામના ચાર મહિલાઓ સહિત પાંચ દાતનીયા વ્યક્તિઓની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા મોવાણના ધાર્મિક કાર્યક્રમમાંથી સોનાના ચેનની તફડંચી કરી હોવાની કબુલાત આપી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 7,68,000 ની કિંમતના સોનાના દાગીના કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.
રાજકોટની દાતનીયા ગેંગના પાંચેય સભ્યો કોઈપણ ધાર્મિક કાર્યક્રમ, જાહેર લોકમેળા અથવા જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય, ત્યાં મહિલાઓએ પહેરેલા સોનાના દાગીનાને તેઓને ખબર ન પડે એ રીતે કાઢી લઈ અવારનવાર ગુનો આચરવાની મોડેશ ઓપરેન્ડી ધરાવતા હોવાનું જાહેર થયું છે. આ પ્રકરણમાં ઝડપાયેલા પ્રભાબેન કિશન સોલંકી અને મીનાબેન જીવન કાવઠીયા વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં બે-બે ગુનાઓ તેમજ જનાબેન અજીત સોલંકી સામે પણ એક ગુનો નોંધાયો હોવાનું જાહેર થયું.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહજાડેજા ગોવિંદભાઈ કરમુર, લાખાભાઈ, મુકેશભાઈ, કુલદીપસિંહ, પ્રકાશભાઈ, હસમુખભાઈ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.


