દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જ બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે આવેલી સરકારી સ્કૂલ પાસે રહેતા સુરેશ ધનાભાઈ ડગરા નામના 42 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી અને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે આરોપી સુરેશ ડગરા સાથે તેજા પાલા ડગરા, માલસી ખેતા ઢચા, વિજય આલા માતંગ અને પુના ભુરા રાઠોડ નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 48,800 રોકડા તથા રૂપિયા 6,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 54,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.