સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી. જી. હોસ્પિટલથી મેડીકલ સર્ટીફિકેટ કઢાવવા માટે લાંચ પ્રકરણમાં પટાવાળો ફરાર છે ત્યારે બીજી તરફ મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા પાંચ પટાવાળાઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અશોક પરમાર વહીવટી અધિકારી તરીકેની ઓળખ આપી પોતે મેડિકલ સર્ટિફિકેટ કઢાવી પૈસા પડાવતો હતો. જે અંગે એસીબીમાં અમરેલીના શિક્ષકે ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં અશોક પરમાર છટકી ગયો હતો અને ત્યારબાદથી પોલીસ તેને શોધી રહી છે.
આ બધા વચ્ચે મેડિકલ સર્ટિફિકેટ જેવી ગંભીર બાબતમાં પટાવાળાનો હસ્તક્ષેપ કેવી રીતે અને ફાઈલ તેની પાસે કેવી રીતે પહોંચતી અને તે ફાઈલો કેવી રીતે રોકી રાખતો? તે બાબતની એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ પટ્ટાવાળાનો આવો હસ્તક્ષેપ કોઇ તબીબ વગર શકય બની શકે નહીં. જેથી આ પ્રકરણમાં આગામી દિવસોમાં કોઇ અન્ય કડી ખુલ્લે તો નવાઈ કહી શકાય નહી. જી. જી. હોસ્પિટલમાં મેડીકલ સર્ટીફિકેટ માટે લાંચની માંગણીના પ્રકરણમાં પટ્ટાવાળાની સંડોવણી બાદ તબીબી અધિક્ષક દિપક તિવારી દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાથમિક પગલાં લઇ મેડીકલ બોર્ડના લતીફ કાસમાણીને જી. જી. હોસ્પિટલ સેનેટરી ઓફીસ તથા મેડીસીન વિભાગના કિશોર ચૌહાણ, વિજય વાછાણી, રમેશ પરમાર અને દિનેશ સોલંકી સહિતના પાંચ કર્મચારીઓની બદલી કરવાનો આદેશ કર્યો છે.