જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન વધુ પાંચ દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં નવા 24 દર્દીઓ અને ગ્રામ્યમાં 20 દર્દીઓનો ઉમેરો થયો છે તેમજ શહેરમાંથી 14 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 11 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એક વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતે તે જ અત્યારે સર્જાઇ છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, ગત વર્ષની સરખામણી એ આ વર્ષે પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘણો વધારો અને ઝડપી સંક્રમણ જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન પાંચ દર્દીઓના મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં વધુ 24 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં આજ દિવસ સુધી કુલ 2,39,657 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક દરમિયાન 20 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 11 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગ્રામ્ય વિસ્તારમાં આજ દિવસ સુધીમાં કુલ 1,96,015 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.