જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતાં યુવક સાથે અગાઉની માથાકૂટનો ખાર રાખી પાંચ શખ્સોએ મહિલા અને તેના પુત્ર ઉપર ધોકા વડે તથા કડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે દંપતી સહિતના પાંચ શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બાલાજી પાર્ક -3 ના છેડે રહેતાં છાયાબેન મનસુખભાઈ પરમાર નામના મહિલાના પુત્ર ચિમનને અગાઉ દેવાંગ રબારી સાથે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી સોમવારે સાંજના સમયે દેવાંગ રબારી, ભાવિન રબારી અને બણ અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી છાયાબેન તથા તેના પુત્રો સાથે માથાકૂટ કરી બોલાચાલી બાદ લાકડાના ધોકા અને કડા વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે દેવાંગ રમાભાઈ વાઢેર નામના યુવક તથા તેના ભાઈ ઉપર કરણ મનસુખ, વિશાલ મનસુખ, ચિમન મનસુખ અને મનસુખભાઈ તથા છાયાબેન સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ અને છરી વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. બંને પક્ષ દ્વારા સામાસામા કરાયેલા હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.