રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ જિલ્લાના ધોળકામાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરોની ટક્કર થતા બોલેરોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની વધુ વિગતો મુજબ આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો, જો કે સ્થાનિક લોકો તેમજ રોડ પરથી પસાર થતા વાહચાલકો મદદે પહોંચ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક 108માં સારવાર શરુ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ ધોળકા ટાઉન પોલીસ ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોલેરોમાં સવાર શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે.