કાલાવડ તથા જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પણ મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈંચથી ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ધુપછાવ વચ્ચે મેઘરાજાનો વિરામ રહ્યો હતો. મેઘરાજાના વિરામથી શહેરીજનોએ પણ હાંસકારો અનુભવ્યો હતો.
ગઈકાલે જામનગર શહેર સહિત લાલપુર, ધ્રોલ સહિતના તાલુકાઓમાં મેઘરાજાના વિરામ વચ્ચે કાલાવડ અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનો અવિરત મુકામ રહ્યો હતો. છેલ્લાં 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં ત્રણ ઈંચ જ્યારે નવાગામમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ નિકાવા, ખરેડી અને મોટા વડાળામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત જામજોધપુર તાલુકામાં ધ્રાફામાં અઢી ઈંચ, પરડવા, સમાણા અને ધુનડામાં સવા ઈંચ તથા શેઠવડાળામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વાંસજાળિયા તથા જામવાડીમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોડા, પડાણા, ભણગોર અને મોટા ખડબામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. જોડિયા તાલુકાના બાલંભામાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ લેતા બપોરબાદ સૂર્યનારાયણના દર્શન થયા હતાં. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાતા લોકો બફારાથી ઉકળાઈ ઉઠયા હતાં. મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. આકાશમાં સવારથી વાદળોના આંટાફેરા બાદ બપોરે તડકો નિકળ્યો હતો. બે દિવસ સુધી પડેલા વરસાદ બાદ પણ વાતાવરણમાં જોઇએ તેવી ઠંડક ન થતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો.