બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા ગઈકાલે શુક્રવારે ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વાવાઝોડા પૂર્વે દ્વારકાધીશને ચડાવવામાં આવેલી ધજા ભારે પવનના કારણે ફાટી જતા આ જોઈને ગૃહમંત્રી વ્યથિત થયા હતા અને જો વાવાઝોડાની પરિસ્થિતિ શાંતિ પૂર્ણ રીતે કાબુમાં રહેતો તેમણે ધ્વજા ચડાવવાનો મનોમન સંકલ્પ કર્યો હતો જેની ફળશ્રુતિ સ્વરૂપે તેમણે શુક્રવારે સાંજે દ્વારકાધીશને ધ્વજા અર્પણ કરી હતી.ગૃહમંત્રી સંઘવીએ દ્વારકામાં જગત મંદિર ખાતે ધ્વજાજીનું શોડષોપચારથી પુજન કર્યું હતું. અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું હતું. બાદમાં ભગવાન દ્વારકાધીશને આ ધ્વજા અર્પણ કરાઇ હતી.
અને આ ધ્વજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. જે માટે દ્વારકાધીશ મંદિર સુરક્ષાના ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા હોટેલ એસોસિએશનના અગ્રણી નિર્મલભાઈ સમાણી દ્વારા જરૂરી વ્યવસ્થા તથા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનું સંકટ ટળતાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર ગત સાંજથી પુન: ધ્વજારોહણ શરૂ થયું છે. આજથી પાંચેય સમયની ધ્વજાઓ ચડાવવામાં આવશે. સાથે-સાથે તમામ દર્શનનો સમય પૂર્વવત થઈ જશે. ‘બિપરજોય’થી નુકસાની અંગે તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ કુદરતી પ્રકોપ સામે આપણે ઝીરો કેઝ્યુઆલિટી જાળવી રાખી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત પર કાયમ સોમનાથ મહાદેવ તેમજ ભગવાન દ્વારકાધીશની કૃપા રહી છે અને તેમની કૃપાથી શનિવારથી જનજીવન રાબેતા મુજબ થઈ જશે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય વિગેરે સાથે જોડાયા હતા.