દેશમાં બાળકો પર કોરોના વેક્સીનેશનની ટ્રાયલ શરુ થઇ ચુકી છે. બાળકો પર સ્વદેશી રસી કોવેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ મંગળવારે પટના એઇમ્સ ખાતે શરૂ થઈ હતી. આ અંતર્ગત ત્રણ બાળકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે. એઈમ્સને કુલ 80 બાળકો પર વેક્સીનની ટ્રાયલ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
બાળકો પર કોવેક્સીનની ટ્રાયલ માટે પહેલા દિવસે 15 બાળકો એમ્સ પહોંચ્યા હતા. જેમાંથી 3 બાળકો રસી માટે ફિટ જણાયા. સૌથી પહેલા તેમનો આરટીપીસીઆર અને એન્ટીબોડી ટેસ્ટ કરાયા અને 3 બાળકો સંપૂર્ણ રીતે સામાન્ય જોવા મળતા તેમને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. ત્રણેય બાળકોને વેક્સીન આપ્યા બાદ તેઓને દેખરખ હેઠળ રાખવામાં આવ્યા હતા. અને હાલ તેઓની તબિયત સ્થિર છે. નિયમો મુજબ આ બાળકોને રસીનો આગામી ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે.
જે ત્રણ બાળકોને રસીનો ડોઝ અપાયો 12 થી 18 વર્ષની વયના છે. એમ્સમાં કોવેક્સીનની રસી માટે 28મી મેથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે. 108 બાળકોએ અત્યાર સુધીમાં સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમના સ્ક્રિનિંગ બાદ પસંદ કરાયેલા 3 બાળકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો. અંતે ઉલ્લેખનીય છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)એ 11 મી મેના રોજ ભારત બાયોટેકની કોવેક્સીનને 2થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી હતી.