Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાનમાં ઇંગ્લેન્ડની ટીમની હોટલ બહાર ફાયરીંગ

પાકિસ્તાનમાં ઇંગ્લેન્ડની ટીમની હોટલ બહાર ફાયરીંગ

મુલતાનમાં ઘટેલી ઘટનાથી સ્ટેડિયમમાં સજ્જડ સુરક્ષા ગોઠવી દેવામાં આવી

- Advertisement -

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે છે. આજથી બન્ને વચ્ચે મુલતાનમાં બીજી ટેસ્ટ મેચ રમાય તે પહેલાં જ ઈંગ્લેન્ડની ટીમ જે હોટેલમાં રોકાઈ છે તેની અત્યંત નજીક ગોળીબાર થયો હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ગોળીબાર સ્થાનિક ગેંગ વચ્ચે થયો હોવાનું અનુમાન છે જેમાં કોઈ જાનહાની થયાના અહેવાલેા નથી. આ ઘટના એ સમયે બની હતી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજા ટેસ્ટની તૈયારી માટે હોટેલથી મુલતાન સ્ટેડિયમ જવા માટે નીકળવાની હતી.

- Advertisement -

પાકિસ્તાન પોલીસ આ ઘટના બાદ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક તંત્રએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિશ્વાસ અપાવ્યો છે કે આ ઘટનાથી ખેલાડીઓની સુરક્ષા ઉપર કોઈ જ અસર પડશે નહીં કેમ કે આ ઘટના જે જગ્યાએ બની છે તે ઈંગ્લેન્ડ ટીમની હોટેલથી એક કિલોમીટર દૂર છે અને ઈંગ્લીશ ટીમના સ્ટેડિયમ આવવા-જવાના રૂટનો હિસ્સો પણ નથી.

આ ઘટના બાદ ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સાથે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પણ કરી હતી. ઘટના બાદ રાવલપિંડી સ્ટેડિયમની જેમ જ મુલતાનમાં પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

- Advertisement -

ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાનમાં દેશના રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા આપવામાં આવી છે. ખેલાડીઓની સુરક્ષામાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્રવક્તાએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે ટીમના સિક્યોરિટી પ્લાનમાં આ ઘટના બાદ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલા વર્ષે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ સુરક્ષાનો હવાલો આપીને પાકિસ્તાનમાં મેચ રમ્યા વગર જ પરત ફરી ગઈ હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડીમાં ત્રણ વન-ડે અને લાહોરમાં પાંચ ટી-20 મુકાબલા રમાવાના હતા પરંતુ પહેલી મેચ રમાય તે પહેલાં જ ન્યુઝીલેન્ડની ટીમે રમવાનું ટાળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular