ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગત સાંજે એક વાડીમાં શેરડીના ઉભા પાકમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે ફાયર સૂત્રો દ્વારા જારી કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ ભારવાડીયાના ખેતરમાં રહેલા શેરડીના પાકમાં ગુરુવારે સાંજે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના મનસુખભાઈ મારુ, નિમેશ ડેરારા તેમજ બ્રિજરાજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવી, લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાહેર થયું છે. સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.