જામનગરમાં લાલપુર હાઈવે-ચંગા પાટીયા નજીક કારખાનામાં આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને આગને મહામહેનતે કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
લાલપુર હાઈ-વે પર ચંગા પાટીયા નજીક આવેલ ડેકોર બ્રાસ ઈન્ડિયા પ્રા.લી. નામના કારખાનામાં શુક્રવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાસ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ ઘટનાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે ગાડી પાણીનો મારો ચલાવી મહામહાનતે આગને કાબુમાં લીધી હતી. શુક્રવારે હોય ઉદ્યોગો બંધ હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ, બંધ હોવાના કારણે કારખાનામાં આગ પ્રસરી હતી. જેને પરિણામે આગએ મોટું સ્વરૂપ લઇ લીધું હતું. આગના ધુંમાડાના ગોટેગોટા નિકળતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતાં આ ઉપરાંત આજુબાજુના કારખાનાવાળાઓ પણ દોડી ગયા હતાં. આગને પરિણામે કારખાનામાં માલસામાન સહિતની નુકસાની પહોંચી હતી.


