જામનગરના શરૂ સેકશન રોડ પર આવેલા ગોલ્ડન સીટી વિસ્તારમાં સિધ્ધી વિનાયક રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતા ચેતનભાઈ શાંતિલાલભાઈ જોશીના મકાનમાં ગઈકાલે બપોરના સમયે રાંધણગેસનો બાટલો લીક થતા આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે મકાનમાલિકની સાત વર્ષની દીકરી આગની જ્વાળા વચ્ચે ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ચેતનભાઈ ઘરમાં હાજર હોય તેમણે દોડીને પોતાની દીકરીને સમયસર બચાવી બહાર કાઢી લીધી હતી. પરંતુ, આગની જ્વાળાને કારણે તેઓને મોઢાના ભાગે તથા હાથના ભાગે દાઝી ગયા હતાં. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટૂકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી તેમજ આગને કારણે મકાનમાં રહેલા જલ્પાબેન જોશી તથા મિતલબેન રાજેશ્ર્વર નામના બે મહિલા આગથી બચવા બાલ્કનીમાં પહોંચી ગયા હતાં અને ગભરાઇને મુર્છિત થઈ ગયા હતાં. તેમને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં.