જામનગર-લાલપુર બાયપાસ નજીક આઈઓસીએલની પાઈપલાઈનમાં લીકેજના કારણે આગ લાગતા આઈઓસીએલ રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. સમગ્ર ઘટનાને આખરે મોકડ્રીલ જાહેર કરવામાં આવતા તંત્રને હાંસકારો થયો હતો.
જામનગર-લાલપુર બાયપાસ નજીક આઈઓસીએલની પાઇપલાઈન પસાર થતી હોય આ દરમિયાન મંગળવારે બપોરના સમયે આ પાઈપલાઈનમાં લીકેજ થયું હતું. જેના પરિણામે આગ લાગી હતી. આઈઓસીએલની પાઈપલાઈનમાં આગથી તંત્રમાં દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે પોલીસ, એમ્બ્યુલન્સ, સહિતનું તંત્ર તેમજ આઈઓસીએલ રેસ્કયૂ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આઈઓસીએલ ની રેસ્કયૂ ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. તેમજ પાઈપલાઈનમાં થયેલ લિકેજ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવામાં પણ કામગીરી કરાઇ હતી. આ સમગ્ર ઘટનાને આખરે મોકડ્રીલ જાહેર કરવામાં આવતા તંત્રએ હાંસકારો અનુભવ્યો હતો.