- Advertisement -
ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા સોનારડી ગામના ક્ષત્રિય આગેવાનની ધંધુસર ગામે આવેલી વાડીમાં ગઈકાલે રવિવારે સવારે એકાએક આગ લાગતા ભારે ભય સાથે દોડધામ મચી જવા પામી હતી. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ આગના કારણે ઘાંસ તથા અન્ય જણસ બળી ગયાનું જાણવા મળ્યું છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈ-વે માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ધંધુસર ગામની સીમમાં એકાએક આગ ભભૂકી ઉઠતાં આ અંગે આ વાડીના માલિક અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તથા ક્ષત્રિય અગ્રણી ભીખુભા દજુભા જાડેજાને જાણ કરવામાં આવતા તેઓ દોડી ગયા હતા અને આ આગની જાણ અહીંના ફાયર તંત્રને કરવામાં આવી હતી. જેના અનુસંધાને જિલ્લા ફાયર અધિકારી મિતરજસિંહ પરમારની સુચના મુજબ ફાયરના જવાનોએ તાકીદે ધંધુસર ગામની સીમમાં દોડી જઈ અને પાણીનો અવિરત મારો ચલાવી અને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગે વાડી માલિક ભીખુભા જાડેજા દ્વારા જણાવાય મુજબ તેમની 145 વીઘાની આ વાડી પૈકી 70 વીઘા જેટલા ખેતરમાં રાખવામાં આવેલા ઘઉંના પાથરાના ઘાસમાં ઉપરથી પસાર થતી વીજળીના કારણે એકાએક આગ લાગી હતી. જેના કારણે આ સ્થળે રહેલા ઘાસ તથા કેટલોક ઘઉંનો જથ્થો પણ સળગી ગયાનું જાણવા મળ્યું છે. આ આગના કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે તેમના દ્વારા વધુમાં જણાવાયા મુજબ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનોને દુરસ્ત કરવા અથવા અન્ય સ્થળે ટ્રાન્સફર કરવા અંગે વિજતંત્રને અવારનવાર રજૂઆતો છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતા આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે.
જો સમયસર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ન હોત તો નુકસાનીનો આંકડો ખૂબ ઊંચો જવાની દહેસત પણ વ્યક્ત કરવામાં આવી છે. આટલું જ નહીં, ગત સાંજે પણ આ સ્થળે વધુ એક વખત આગનું છમકલું થયું હોવાનું ભીખુભા જાડેજા દ્વારા જાણવા જણાવાયું છે.
- Advertisement -