જામનગર જિલ્લા પંચાયતના ચકચારી ફાઇલ ચોરીકાંડમાં આખરે એફઆઇઆર નોંધવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે. ફાઇલ ચોરી અંગે ડ્રાફટ તૈયાર કરી પોલીસમાં ફરિયાદ નોંધાવવાના આદેશથી પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગની ઇલેકટ્રીક શાખાના રેકોર્ડ રૂમમાંથી બે હજાર જેટલી ફાઇલો ગુમ થઇ જવાનું સામે આવતાં પંચાયતનું તંત્ર ચોંકી ઉઠયું છે. ઇલેકટ્રીકટ વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યાબંધ ફાઇલો ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યાનુસાર ઇલેકટ્રીકટ વિભાગના રેકોર્ડ રૂમમાંથી 2015થી 2022 સુધીની 1500થી 1700 ફાઇલો ગુમ થઇ છે. આ ફાઇલો ચોરી થઇ હોવાની આશંકા વ્યક્ત કરી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજીતરફ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.પી. મારવીયાએ આક્ષેપ કર્યો છે કે, ફાઇલ ચોરીની આ ઘટનામાં પંચાયતના અધિકારી અને કર્મચારીઓની સંડોવણીનો પણ ઇન્કાર થઇ શકે તેમ નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, બે મહિના પહેલા કેટલાંક સખ્સો રાત્રીના સમયે ટેમ્પો ભરીને ફાઇલ ચોરી ગયા હતાં. જિલ્લા પંચાયતમાં સિક્યોરીટી સ્ટાફ તેમજ સીટીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં ફાઇલ ચોરીની આ ઘટના અધિકારીઓની મોટી બેદરકારી દર્શાવી રહ્યાં છે. એલઇડી લાઇટ પ્રકરણમાં ભાજપાના સત્તાધિશોએ મોટુ કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.