યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે ફિનલેન્ડ મંગળવારે દુનિયાના સૌથી મોટા સુરક્ષા સંગઠન નોર્થ એટલાન્ટિગ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં જોડાઈ ગયું. નોર્ડિક રાષ્ટ્ર ફિનલેન્ડનું અમેરિકાના નેતૃત્વવાળા સૌથી મોટા સૈન્ય સંગઠન સાથે જોડાણ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન માટે તમાચા સમાન છે, કારણ કે ફિનલેન્ડ રશિયાનો પડોશી દેશ છે અને તેની સાથે 1,300 કિ.મી.થી વધુની સરહદ જોડાયેલી છે. પુતિન લાંબા સમયથી પૂર્વ તરફ નાટોના વિસ્તરણનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ યુક્રેને નાટોમાં જોડાવાની પ્રક્રિયા શરૂ કરતા રશિયાએ તેના પર આક્રમણ કર્યું હતું. હવે ફિનલેન્ડના જોડાવાથી યુક્રેન સામેનું યુદ્ધ વધુ વકરે તેવી આશંકા છે. યુક્રેન પર રશિયાના આક્રમણના સમયથી જ જે ઐતિહાસિક ઘટનાક્રમની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી હતી. અંતે મંગળવારે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ફિનલેન્ડના સભ્યપદના દસ્તાવેજ ઔપચારિક રીતે સોંપતા નોર્ડિક રાષ્ટ્ર નાટોનું સભ્ય બની ગયું છે. આ સાથે દુનિયાના સૌથી મોટા લશ્કરી સંગઠન નાટોના હવે 31 સભ્યો થઈ ગયા છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલનબર્ગે કહ્યું કે, ફિનલેન્ડનું નાટો સંગઠનમાં સ્વાગત છે. તેનાથી ફિનલેન્ડ સુરક્ષિત થઈ જશે અને અમારી તાકત પણ વધશે.


