દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેટલાક રાજ્યોમાં લોકડાઉન, નાઈટ કર્ફ્યું અને પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવા કોરોના સંક્રમણના 80% કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્નાટક, ગુજરાત અને છત્તીસગઢમાં છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.
ગુજરાત: કોરોના વધતા જતા કેસોને જોતાં 15 એપ્રિલ સુધી ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. તેમજ મહાનગરોમાં 10 અપ્રિલ સુધી શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસ પણ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાત બહારથી આવતા તમામ લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર: રાજ્યમાં નાઇટ કર્ફ્યુ 28 માર્ચથી લાગુ છે. નાઇટ કર્ફ્યુ અંતર્ગત રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. તો નાગપુરમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી.આ ઉપરાંત અહીં અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં. અને 50 થી વધુ લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકતા નથી. કાર્યાલયોમાં પણ માત્ર 50% કર્મચારીઓને બોલાવવામાં આવે છે.
મધ્યપ્રદેશ: ભોપાલ, ઈન્દોર, જબલપુર, રતલામ, ખારગોન, છીંદવાડા, બેતુલ, વિદિશા, ઉજ્જૈન, ગ્વાલિયર, નરસિંહપુર અને સોનસરમાં લોકડાઉન લાગુ છે. ધો.8 સુધીની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબ: મોહાલી, અમૃતસર, લુધિયાણા, પટિયાલા, હોશિયારપુર, જલંધર, કપુરથલા, રોપર, મોગા, એસબીએસ નગર અને ફતેહગઢ સાહિબમાં રાત્રીના 9 થી સાંજના 5 સુધી નાઇટ કર્ફ્યુ ચાલુ છે. સિનેમાઘરો 50% ક્ષમતા સાથે ખોલી શકાશે.
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ સરકારે 12 રાજ્યોથી આવતા લોકોને માટે 72 કલાકની અંદર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યોછે.એપ્રિલ 1 થી, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકોએ કોરોના રીપોર્ટ કરાવવાનો રહેશે. રૂષિકેશ ક્ષેત્રના હરિપુર કલા અને ગીતા કુટીર વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે.લોકોને ઘરથી બહાર નીકળવા પર પણ મનાઈ છે.
છત્તીસગઢ: રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ છે. ધો.10 -12 ની બોર્ડની પરીક્ષા સિવાય તમામ વર્ગની પરીક્ષા લેવામાં આવશે નહીં. તમામ વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવશે. રાયપુર, રાયગ, જાંજગીર ચંપા, જગદલપુર, દુર્ગ, જશપુર, સુરગુજા અને સૂરજપુર જિલ્લામાં 30 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. તમામ દુકાનો રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે અને હોટેલ-રેસ્ટોરાં રાત્રીના 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. તેમજ અન્ય રાજ્યો માંથી આવતા લોકોએ 7 દિવસ કવોરન્ટાઈન રહેવું પડશે.