ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પ્રજા એકતરફ વેક્સિન લેવા લાઇનમાં ઊભી છે, કેન્દ્ર તરફથી ફાળવાતી વેક્સિન તંત્ર યોગ્ય રીતે સાચવી શકતું ન હોવાથી વેક્સિનના અનેક ડોઝ બરબાદ થઇ રહ્યા છે. દેશમાં રસીના બગાડમાં 5રાજ્યો આગળ છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો વેક્સિનના 14.87% ડોઝ બરબાદ થઇ રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બગાડ થયો છે. તો જામનગર શહેરમાં માત્ર 1% વેક્સિનના ડોઝ બરબાદ થયા છે. ત્યારે જામનગર જીલ્લામાં 14% ડોઝ બરબાદ થયા છે.
રાજ્ય સરકાર દ્રારા ફાળવવામાં આવતી કોરોનાની વેક્સીનના બગાડમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 15% છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, ભાવનગર જીલ્લામાં તંત્ર યોગ્ય રીતે વેક્સિન સાચવી શકતું ન હોવાથી રસીનો જથ્થો બગડી રહ્યો છે.
જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જીલ્લામાં વેક્સિનનો 14% બગાડ થઇ રહ્યો છે. જયારે જામનગર શહેરમાં નહિવત કહી શકાય તેમ રસીના 1% ડોઝ બરબાદ થયા છે. જામનગર જીલ્લામાં એક દિવસના 10780 ડોઝની સરખામણીએ 1520 ડોઝનો બગાડ થાય છે. તે અનુસંધાને કહી શકાય કે જીલ્લામાં 14% વેક્સિનના ડોઝ બરબાદ થાય છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રસીના ડોઝનો બગાડ સુરેન્દ્રનગરમાં 25% જેટલો થયો છે. આ ઉપરાંત દ્વારકા, બોટાદ અને જુનાગઢમાં 19% વેક્સિનનો બગાડ થયો છે. જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં વેક્સીનના માત્ર 1% ડોઝ બરબાદ થયા છે.