Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રાશનકાર્ડધારકોની અસલી સમસ્યાઓ જાણો…

જામનગરમાં રાશનકાર્ડધારકોની અસલી સમસ્યાઓ જાણો…

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા મે અને જુન મહિના દરમ્યાન ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મોટાં ભાગના રાશનકાર્ડધારકોને વિનામુલ્યે અનાજનો જથ્થો આપવાની જાહેરાત થઇ છે. અને 11મી મે થી આ કામગીરીનો જામનગરમાં પ્રારંભ પણ થઇ ગયો છે. પરંતુ રાશનકાર્ડ ધારકો અનાજ મેળવવામાં સહેલાઇથી સફળ રહેતા નથી.

કેન્દ્ર સરકાર દ્વારા મે અને જુન મહિના માટે રાશનકાર્ડ ધારકોને વ્યકિત દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવાની જાહેરાત થઇ છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા રાહતભાવે રાશનકાર્ડધારકોને નિયમિત રીતે ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું અને કેરોસીન જુદાં-જુદાં પ્રકારના રાશનકાર્ડ હેઠળ આપવામાં આવે છે.

જામનગરમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આ માટે શું કામગીરી ચાલી રહી છે? તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે ‘ખબર ગુજરાત’ દ્વારા ગઇકાલે બુધવારે સરકારી અનાજના બેડેશ્વર ખાતેના ગોદામના મેનેજર મિતલબેન મકવાણાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.

બેડેશ્ર્વરના ગોદામ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર તરફથી અમોને પુરતો પુરવઠો આપવામાં આવે છે. જો કે, ઘણીવખત હાપા એફસીઆઇ ગોદામ ખાતે ઘઉંની રેક(ફાળવણી) ચાલતી હોય છે ત્યારે ચોખા સહિતની ચીજો મળતી નથી અને ચોખાની ફાળવણી થતી હોય છે ત્યારે ઘઉં સહિતની અન્ય ચીજો મળતી નથી. આ ઉપરાંત જામનગર શહેરના રાશનકાર્ડની દુકાનોના 85 દુકાનદારો પૈકી 40% જેટલાં દુકાનદારો એવાં છે જેઓની પાસે અનાજનો જથ્થો સંગ્રહ કરવામા માટે ગોદામની પુરતી વ્યવસ્થાઓ નથી. જેના કારણે આ દુકાનદારો એક સાથે બધો માલ ઉપાડતા નથી.તેઓ કટકે કટકે માલ ઉપાડતા હોય રાશનકાર્ડ ધારકોને દુકાનદારો દ્વારા ચીજોનું એક સાથે વિતરણ કરવામાં સમસ્યાઓ ઉભી થાય છે. આ ઉપરાંત ઘણી દુકાનો સાંકડી શેરીઓમાં આવેલી છે. જેને પરિણામે ટ્રક જેવા મોટાં વાહનથી એક સાથે માલ મોકલવામાં સમસ્યાઓ નડે છે. તેથી કટકે કટકે નાના વાહનોમાં માલ મોકલવો પડે છે. આ ઉપરાંત ટેકનીકલી સર્વર સહિતની સમસ્યાઓ પણ તંત્રને નડતી હોય છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી હોય કર્મચારીઓમાં બિમારીનું પ્રમાણ પણ જોવા મળે છે.તેના કારણે કામગીરીઓ પર અસર પડી રહી છે. આ ઉપરાંત સરકારી ગોદામના સતાવાળાઓએ વાહનોના કોન્ટ્રાકટર અને લેબર કોન્ટ્રાકટર વગેરેની સુવિધાઓ અને ટાઇમ ટેબલ પણ સાચવવાના હોય છે. આ બધી બાબતોનો સરવાળો એ થાય છે કે, કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા આપવામાં આવતા અનાજ સહિતનો જથ્થો જામનગર શહેરમાં યોગ્ય રીતે વિતરીત થઇ શકતો નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં આ પ્રકારની ઘણી અડચણો જોવા મળી રહી છે.

આ ઉપરાંત ઘણાં દુકાનદારો અને રાશનકાર્ડધારકો વચ્ચે વિવિધ પ્રકારના વિવાદો ચાલી રહ્યા હોય છે.મોટાં ભાગના કિસ્સાઓમાં રાશનકાર્ડની દુકાનોની બહાર કાર્ડ ધારકોને કઇ ચીજ કેટલાં પ્રમાણમાં આપવાની થાય છે? તે અંગેની કોઇ જ વિગતો રાશનકાર્ડ ધારકોને જણાવવામાં આવતી નથી. આ પરિસ્થિતિમાં ઘણાં દુકાનદારો રાશનકાર્ડ ધારકોને સરકારની યોજના મુજબના જથ્થા આપતા નથી. તેવી ફરિયાદો વારંવાર ઉઠતી હોવા છતાં જામનગર જિલ્લાનું કલેકટર કચેરી હેઠળનું પુરવઠા તંત્ર કયારેય લોકોની સમસ્યાઓ અંગે નિવારણના અર્થમાં ફરજો બજાવતું નથી. જેના કારણે રાશનકાર્ડ ધારકોમાં દુકાનદારો અને સરકાર પ્રત્યે રોષ અને નારાજગી જોવા મળે છે. જામનગરમાં રાશનકાર્ડની ઘણી બધી દુકાનો એવી પણ છે જયાં કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં રહે છે. આ ઉપરાંત દુકાનદારોના પ્રશ્ર્ન અંગે પણ પુરવઠા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોતી નથી. તે પ્રકારની બાબતો પણ જોવા મળી રહી છે. જેના કારણે દુકાનદારોમાં પણ કચવાટ જોવા મળે છે.

કલેકટરે સરકારની આ યોજનાઓનો લોકોને પુરતાં પ્રમાણમાં લાભ મળે તે માટે પુરવઠા તંત્રને સતત દોડતું રાખવું જોઇએ. એ પ્રકારની લાગણી રાશનકાર્ડ ધારકોમાં અને દુકાનદારોમાં જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular