ગતરાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ કંટ્રોલ રુમ ખાતે મોડી રાત સુધી ખડે પગે રહીને ગ્રાઉન્ડ ઝીરો પર તંત્રએ કરેલી તૈયારીનો રિપોર્ટ મેળવી રહ્યા હતા. એક તરફ તૌક્તે વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકિનારે લેન્ડફોલ કરી રહ્યુ હતુ તેવા સમયે સીએમ રુપાણી વાવાઝોડાની સ્થિતિની રજેરજની માહિતી સ્વયં દરિયાકાંઠાના જિલ્લાના કલેક્ટરો પાસેથી ટેલીફોનીક હોટ લાઈન પર વાતચીત કરીને મેળવી રહ્યા હતા.
આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાને લઇને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અત્યાર સુધીમાં તૌક્તેથી થયેલા નુકશાન અંગે જણાવ્યું છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં 1081 થાંભલા પડ્યા, 159 રસ્તાને નુકશાન થયું છે.16500 મકાન તેમજ 6000થી વધુ ઝુપડા અસરગ્રસ્ત થયા છે.40હજાર જેટલા વૃક્ષ ધરાશાઈ થયા છે. ભારે વરસાદના લીધે 2437 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી 484 ગામમાં વીજ પુરવઠો ફરી શરુ થયો છે. 2લાખથી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. હાલ 196 રસ્તાઓ બંધ થયા છે.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે એક પણ હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો નથી. ચાર હોસ્પિટલોમાં જનરેટરથી વીજ પુરવઠો અપાઈ રહ્યો છે.ખેતીના પાકને જે નુકશાન થયું છે તેની વિચારણા કરવામાં આવશે. વાવાઝોડામાં ના પરિણામે રાજ્યમાં 3લોકોના મૃત્યુ થયા છે.જેમાં વાપીમાં 1, રાજકોટમાં 1 બાળક, ગારીયાધરમાં એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે તેમ જણાવ્યું છે. પરંતુ ભાવનગરના પાલીતાણાના નવા ગામના બાડેલીમાં મકાનની છત પડતા પિતા-પુત્રીના મોત નીપજ્યા છે.
રાજ્યમાં વાવાઝોડાને પરિણામે બગસરામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ થયો છે. આ સિવાય 35 તાલુકામાં 1ઇંચથી વધુ વરસાદ થયો છે.