પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો ડામ તો જનતા ભોગવે છે, હવે ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. રાસાયણિક ખાતરના ભાવમાં 50 થી 54 ટકાનો તોતિંગ વધારો થયો છે અને આ ભાવ વધારો ખેડૂતો માટે વધુ પડતો છે. આ મુદ્દે ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ થયો છે. પણ સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા કે ખુલાસા થયા નથી.
આમ તો આ ભાવ વધારો ગયા મહિને જ જાહેર થયો હતો અને ત્યારે પણ વિરોધ થયો હતો ત્યારે ચૂંટણીઓ પૂરી થઇ ન હોતી અને સરકારે આ ભાવ વધારો ટાળી દીધો હતો અને ભાજપે એવો પ્રચાર કર્યો હતો કે, આ તો કોંગ્રેસ રાજકારણ રમે છે. ખાતરમાં કોઇ ભાવ વધારો થયો નથી. થવાનો નથી. પણ ચૂંટણીઓ પુરી થઇ ગઇ અને પરિણામો આવી ગયા અને તુરંત ખાતરના ભાવમાં વધારો જાહેર થયો છે.
આ મુદે ખેડૂતોમાં આક્રોશ છે કે, ચૂંટણીમાં કોઇ અસર ન આવે એટલે ભાવ વધારો રોકી દેવાયો. જેમ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારા પણ અટકી ગયા હતા અને પરિણામો આવ્યા બાદ ભાવ વધવા લાગ્યા છે. બે કેન્દ્રીય મંત્રીઓએ એમ કહેલું કે ભાવ વધારો થયો નથી હવે એમને ફોન કરી રહ્યા છે અને ખેડૂત રોષ વ્યકતકરે છે તો એમની પાસે કોઇ જવાબ નથી.
ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલની જેમ ખાતરને પણ ડીકંટ્રોલ કર્યા બાદ ખાતરના ભાવ વધવા લાગ્યા છે. વર્ષમાં એકાદ બે વાર ભાવ વધે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા એની અસર ખાતર પડે છે. કંપનીઓ ભાવ વધારે છે. એક વાત એવી છે કે, સરકાર ભાવ વધારો ખેડૂતો પર ના આવે એ માટે સબસીડી વધારશે પણ હજુ કોઇ જાહેરાત થઇ નથી.
આમેય સરકાર દરેક પ્રકારની સબસીડી પર કાપ મૂકવો એવી નીતિ ધરાવે છે. ત્યારે સરકાર યુરિયા પર રૂા. 585, ડીએપી પર 511 અને એમઓપી પર 303ની સબસીડી મળે છે. નવા ભાવ વધારા પછી ખાતરની થેલી પર રૂા.500થી 700નો ભાવ વધારો થયો છે.
બીજી બાજુદેશમાં રાસાયણિક ખાતરની માંગ વધતી જાય છે. પણ એ સામે ઉત્પાદન વધતું નથી. માગમાં અઢી ટકાનો વધારો થઇ રહ્યો છે. એ સામે ઉત્પાદનમાં 1.3 ટકાનો વધારો થઇ રહ્યો છે અને એમાં ય નાઇટ્રોજન આધારિત ખાતરની આયાત કરવી પડી છે.
સરકાર દ્વારા એવી નીતિ છે કે, ખેડૂતને આર્થિક મદદ સીધી કરવામાં આવે છે અને એટલે ખાતર પરની સબસીડીનું ઘટાડી શકાય છે. અને એ રીતી સરકાર પરનું સબસીડીનું ભારણ ઓછું કરવાની નીતિ છે. પણ આ ભાવ વધારો ખેડૂતો માટે સહ્ય નથી અને એમાં કોરોના મહામારી પણ છે અને એની પણ ખેડૂતો પર અસર છે. એવા આ ભાવ વધારા સામે રોષ જાગે એ સ્વાભાવિક છે. ચૂંટણીઓ આવે ત્યારે રાજકીય પક્ષો ખેડૂતોને ખુશ કરવા વાતો કરે છે. ઘણી સરકારો બાદમાં ખેડૂતો પરના દેવા માફ કર્યા છે. એના ભારણો પણ છે. હવે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની જેમ જ ખાતર પરની સબસીડીનો પણ બોજ ઘટાડવા માગે છે. પણ ખાતર પર આટલો મોટો એક સાથે વધારો કેમ થઇ શકે? સરકાર ખાતર કંપનીઓને ભાવ વધારો કરવા અટકાવી શકે તો એક સાથે આટલો મોટો ભાવ વધારો ના કરવો જોઇએ એવી સૂચના પણ આપી જ શકે. એવું બનશે ખરૂ?