જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરિયા કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન પાસે ગાળાગાળી કરવાની ના પાડતાં બે શખ્સો દ્વારા મહિલા દુકાનદાર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં આવેલા ગેલેરિયા કોમ્પ્લેક્ષમાં પીંકીબેન અવિનાશભાઇ સરકાર (ઉ.વ.35) નામના મહિલાને રેડીમેઇડ કપડાંની દુકાન પાસે ગુરૂવારે રાત્રિના સમયે મોહસીન અને દિવ્યરાજસિંહ નામના બે શખ્સો ગાળાગાળી કરતાં હતાં. જેથી મહિલાએ દુકાન પાસે ગાળાગાળી કરવાની ના પાડતાં બન્ને શખ્સો ચાલ્યા ગયા હતા. ત્યારબાદ થોડાં સમય પછી મહિલા તેમની દુકાન બંધ કરતા હતા ત્યારે બન્ને શખ્સોએ લાકડાના ધોકા સાથે દુકાનમાં ઘૂસી ગયા હતા. અને કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ મહિલા ઉપર ધોકા વડે હુમલો કરવા જતાં દર્શનાબેનના હાથમાં અને પગમાં ઇજા પહોંચી હતી. ઉપરાંત બન્ને શખ્સોએ બન્ને મહિલાઓને જતાં જતાં મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા એએસઆઇ એન. ડી. પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


