ઓખા મંડળના પૌરાણિક યાત્રા સ્થળ બેટ દ્વારકા ખાતે ખૂબ જ સુવિધા રૂપ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને આવતીકાલે રવિવારે વડાપ્રધાનના હસ્તક ખુલ્લો મુકવામાં આવનાર છે. સિગ્નેચર બ્રિજના કારણે વિકાસ તેમજ આસ્થાની તમામ ક્ષિતિજો ખુલશે અને સ્થાનિક લોકોને વ્યાપક રોજગારી સાથે પર્યટકો – યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે. આનાથી સમગ્ર વિસ્તારનો વિકાસ વધશે તેવો દૃઢ આશાવાદ સ્થાનિકો તેમજ યાત્રાળુઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
બેટ દ્વારકાના મુખ્ય પૂજારી રાજુભાઈ વ્યાસે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બેટ દ્વારકા ખાતે બ્રિજ બનવાથી યાત્રિકોને ખૂબ રાહત થશે. બોટમાં આવતા યાત્રીઓને ખૂબ તકલીફો વેઠવી પડતી જ્યારે હવે આ બ્રિજ બનતા બેટ દ્વારકાની યાત્રા સરળ બનશે. વડીલો માટે આ યાત્રા હવે સુગમ અને સરળ બનશે. સાથે સાથે આ ગામનો પણ વિકાસ થશે.
બેટ દ્વારકાના રહેવાસી કપિલ રાઠોડ જણાવે છે કે આ બ્રિજ બનતા સ્થાનિક રહેવાસીઓ માટે તાત્કાલિક મેડિકલ સારવાર ઉપલબ્ધ બનશે. લોકોનો સમય બચશે સાથે સાથે લાઈટ તથા પાણીનું પણ આજીવન સુખ થશે. મોદી સાહેબે આ પુલ બનાવી અશક્યને શક્ય બનાવ્યું છે. દ્વારકા આવતા 70 ટકા દર્શનાર્થીઓ બેટ દ્વારકા આવ્યા વિના જ પરત ફરતા. જેઓ પણ હવે આ બ્રિજની સુવિધા મળતા દર્શન કરવાનો લ્હાવો મેળવશે.
મુંબઈથી દર્શનાર્થે પહોંચેલા અવિનાશ વાડેકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બેટ દ્વારકા આવ્યા બાદ ખૂબ જ દૈવી અનુભૂતિ થાય છે. ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય તેવી લાગણી આ સ્થળે જન્મે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સરકાર વિકાસની રાહે ખૂબ જ સારા કામો કરી રહી છે. આ સ્થળ તેનો એક ઉત્તમ પુરાવો છે.
બેટ દ્વારકાના વેપારી રામભાઈ જણાવે છે કે પુલ બનવાથી અહીં સ્થાનિક રોજગારીના પ્રમાણમાં ખૂબ વધારો થશે અને સાથે સાથે વેપારીઓના સમયની પણ બચત થશે. તેમના પોતાના વાહનો થકી હવે અવરજવર શક્ય બનશે.
બેટ દ્વારકા ખાતે દર્શને આવેલા મધ્યપ્રદેશના અર્ચના ગુપ્તા જણાવે છે કે હું બેટ દ્વારકા બીજી વખત આવી છું. આ સ્થળે ખૂબ જ સારો વિકાસ થયો છે. બ્રિજ બનવાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. બ્રિજના લોકાર્પણ બાદ ફરી અમે બ્રિજ પરથી દર્શને આવીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ધાર્મિક સ્થળો પર પાયાની સુવિધાઓમાં ખૂબ જ ઉમેરો થયો છે જેનો યાત્રીઓને બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે.
બેટ દ્વારકાના પંડિતજી ધર્મેન્દ્ર ઠાકરએ પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર બ્રિજ થકી આજે સમગ્ર બેટ દ્વારકામાં દિવાળી જેવો માહોલ છે. બ્રિજ બનવાથી દર્દીઓને ત્વરિત મેડિકલ સારવાર ઉપલબ્ધ થશે સાથે સાથે ભાવિકોને સરળતાથી દર્શનનો લાભ પણ મળશે. આ બ્રિજ થકી બેટ દ્વારકા હવે વિશ્વવિખ્યાત બનશે.