જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમના વાડી વિસ્તારમાં ખેતરમાંથી પસાર થવાની ના પાડતાં બે શખ્સોએ પટેલ યુવાન ઉપર લોખંડના દાતા વડે હુમલો કરી ઝપાઝપી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામમાં સરકારી પ્રાથમિક શાળા સામે રહેતાં કેવિનભાઇ ગોરધનભાઇ કંટારિયા નામના યુવાનના ધ્રાફા ગામની સીમમાં આવેલા ખેતરમાં તથા બાજુમાં આવેલા આહિર યુવાનનું ખેતર બાજુબાજુમાં હોય જેથી પટેલ યુવાનના ખેતરમાં જવા માટે આહિર યુવાનના ખેતરમાંથી પસાર થવું પડતું હતું અને કેવિન તથા જીલુ જમરે ઉર્ફે દિનેશ બન્ને ટ્રેકટર લઇને જતા હતા ત્યારે ધનાભાઇ આહિરએ ખેતરમાંથી પસાર થવાની ના પાડતાં પટેલ યુવાન ઉપર ધના આહિર અને તેના પુત્ર જગદિશ ધના આહિર નામના બન્ને શખ્સોએ છુટા પથ્થરનો ઘા કર્યો હતો. લોખંડના દાતાવાળા સણોથા વડે હુમલો કરી બન્ને યુવાનો સાથે ઝપાઝપી કરી ગાળો કાઢી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગેની જાણ થતાં એએસઆઇ ડી. કે. ચૌહાણ તથા સ્ટાફએ પિતા-પુત્ર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


