જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સાતેક વર્ષ પહેલા એક સાવકા પિતાએ પોતાની પુત્રી અને સગીર વયના પુત્રએ સાથે મળીને માસૂમ બાળકી ઉપર અમાનુષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવી હતી. આ કેસમાં અદાલતે પિતા-પુત્રીને આજીવન કારાવાસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે આ કેસના ત્રીજા અને સગીર વયના આરોપીએ થોડા વર્ષ પહેલા આત્મહત્યા કરી પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
ચકચારી આ કેસની વિગત એવી છે કે, જામનગર શહેરના કૃષ્ણનગર-4, વિસ્તારમાં રહેતા ચેતન મુકંદરાય કલ્યાણીએ નવ વર્ષની બાળકીની માતા સાથે બીજા લગ્ન કર્યા હતાં. તા.14/10/2017ના બાળકીને છોડી તેની માતા કર્ણાટક ચાલી ગઇ હતી. જયારે ચેતન કલ્યાણી પુત્રી નેહલ ચેતનભાઇ કલ્યાણી (27) અને તેનો 17 વર્ષનો સગીર વયનો પુત્ર નવ વર્ષની ભોગ બનનાર બાળકીને વિકાસ ગૃહમાંથી પોતાના ઘરે લાવ્યા હતાં. અને તારી મા મકાન વેચવા દેતી નથી તેમ કહી ચેતનભાઇ કલ્યાણી, તેની પુત્રી નેહલ અને સગીર પુત્રે બાળકીને ઢોર માર માર્યો હતો. જેમાં ચેતનભાઇએ સ્ટમ્પ વડે માર માર્યો હતો. જ્યારે નેહલે પગમાં ડામ આપ્યા હતાં. આ પછી બાળકીના નગ્ન ફોટા પાડીને તેની માતાને મોબાઇલમાં મોકલ્યા હતાં અને ઘરે આવીને મકાનના કાગળમાં સહી કરી જવા માટે ધાકધમકી આપી હતી. એ પછી પોણા બે માસ બાદ ચેતનભાઇના 17 વર્ષના સગીર વયના પુત્રે બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ પછી પણ અવારનવાર તેણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંઘ્યો હતો.
આ પછી તારીખ 16 જાન્યુઆરી 2018ના ત્રણેય પિતા, પુત્રી, પુત્રએ બાળકીને ઢોર માર માર્યો હતો. જેમાં બાળકીના બૂમાબૂમનો અવાજ પાડોશી સાંભળે નહિં તેથી ટીવીનું વોલ્યુમ ફુલ કરી નાખવામાં આવ્યું હતું. આ પછી તા. 12/02/2018ના કેતનભાઇના પુત્રે સગીરાને સ્ટમ્પ વડે બેફામ માર માર્યો હતો. તે જ રાત્રે સગીરા સાથે દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કર્યુ હતું. બીજી તરફ દુષ્કર્મ આચારનાર સગીરે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, મેં બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ત્યારે પિતાએ પોતાના પુત્રને કહ્યું હતું કે તેનું પુરૂ કરી નાખવું હિતાવહ છે. આથી સગીર પુત્રે તકીયા વડે મોઢે ડૂમો આપીને બાળકીની હત્યા કરી નાખી હતી. આ ભારે ચર્ચાસ્પદ બનાવ અંગે જે તે સમયે પોલીસ સબ ઇન્સ્પેકટર જે.કે. મોરીએ જાતે ફરિયાદી બનીને ત્રણેય આરોપીઓ સામે જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સ્પેશિયલ પોકસો કોર્ટના જજ વી.પી. અગ્રવાલે તમામ દલીલો, પુરાવાઓ, સાહેદો અને સાક્ષીઓની જુબાની વગેરેને ઘ્યાને લઇને આરોપી ચેતન મુકુંદરાય કલ્યાણી અને તેની પુત્રી નેહલબેન ચેતનભાઇ કલ્યાણીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે આ કેસના સગીર આરોપીએ થોડા સમય પહેલા આપઘાત કરીને પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતાં.


