ધ્રોલ તાલુકાના રાજપર ગામની સીમમાં ઘઉં કાઢવાના રૂપિયા લઇને વાડીએ આપવા જતા સમયે વૃદ્ધ ખેડૂતને આંતરીને ત્રણ શખ્સોએ ઝપાઝપી કરી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના રાજપર ગામમાં રહેતા જગતસિંહ અનુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગુરૂવારે સાંજના સમયે ઘઉં કઢાવવાના રૂપિયા લઇને વાડીએ આપવા માટે જતા હતાં તે દરમિયાન તેના જ ગામના ભવાનસિંહ ભીખુભા જાડેજા, યોગીરાજસિંહ ભવાનસિંહ જાડેજા, મયુરસિંહ ભવાનસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી વૃધ્ધ સાથે ઝપાઝપી કરી બેફામ ગાળાગાળી કરી હતી. તેમજ ઝઘડો કરીને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈએમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા વૃદ્ધના નિવેદનના આધારે ભવાનસિંહ જાડેજા અને તેના બે પુત્રો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.